પહેલગામ હુમલોઃ પ્રવાસીઓની સુરક્ષાને લઈ થયો મોટો ખુલાસો, શૈલેષ કળથિયાના પત્નીએ પણ કહી હતી આ વાત

નવી દિલ્હીઃ પહેલગામ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 લોકોના મોતથી દેશભરમાં રોષનો માહોલ છે. હુમલાને લઈ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. એક રિપોર્ટ પ્રમાણે, પહેલગામ શહેર બજાર અને બૈસરન ઘાસના મેદાન વચ્ચેના છ કિલોમીટર લાંબા પર્વતીય ધૂળિયા રસ્તા પર સશસ્ત્ર કર્મચારીઓ દ્વારા રક્ષા કરવામાં આવી નહોતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર જે સ્થળે હુમલો થયો ત્યાં જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે જોડાયેલા કેડરના ચાર નિઃશસ્ત્ર રક્ષકો હતા. કે બૈસરનમાં પણ કોઈ સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા ન હતા. જેને લઈ કાશ્મીર ઘાટીમાં આવતા પ્રવાસીઓની સુરક્ષા પર પ્રશ્નો ઉભા થયા હતા. રિપોર્ટ મુજબ, આ વિસ્તારની રક્ષા કરતા ચાર માણસો પ્રવાસી પોલીસ વિભાગના હતા, જેનો ઉપયોગ મોટાભાગે મુલાકાતીઓને મદદ કરવા માટે થાય છે.
તેમાંથી બેને પહેલગામ બજાર નજીક બૈસરન સુધીના છ કિલોમીટરના રસ્તા પર તહેનાત કરવામાં આવ્યા હતા. અહીંથી પ્રવાસીઓ પગપાળા અથવા ઘોડા પર બેસીને ઘાસના મેદાનમાં જઈ શકે છે. વિવિધ તપાસ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પોલીસ અધિકારીઓ સ્થળ તપાસ માટે આવ્યા હોવાથી ગુરુવારે આ વિસ્તાર બંધ હતો. અધિકારીઓએ અહીં સુધી પહોંચવા માટે ખુલ્લી મોટરમાં સવાર થઈને આવ્યા હતા.
27 વર્ષીય સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) મુઝમ્મિર અહેમદે જણાવ્યું, તે દિવસે અમારા ચાર સાથીદારોને બૈસરન જવાના માર્ગ પર તૈનાત કરવામાં આવ્યા હતા. અમારામાંથી ઘણાએ પ્રવાસીઓને મદદ કરવા, તેમને માર્ગદર્શન આપવા અને સંક્ટના સમયે સુરક્ષા આપવાની ફરજ બજાવી છે.
અહેમદના સાથીદાર અલ્તાફ હુસૈન જણાવ્યું, પ્રવાસી પોલીસના સભ્યોને એસપીઓ કહેવામાં આવે છે. તેમને દૈનિક વૈતન ચૂકવવામાં આવે છે. અમે ત્યાં એક માત્ર સુરક્ષા છીએ અને આવી ઘટનામાં અમે પણ અર્થહીન છીએ તેમ ઉમેર્યું હતું. પહેલગામ શહેર નજીક સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ બટાલિયન અને આર્મી રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટનું મુખ્ય મથક છે. પરંતુ શહેરથી ઘાસના મેદાન સુધીના માર્ગ પર કોઈ સશસ્ત્ર કર્મચારી નથી.
સ્થાનિક લોકોએ કહ્યું કે હત્યાઓ અકલ્પનીય હતી અને પર્યટન માટે ખરેખર મોટો ફટકો હતો. અમે અમારા પરિવાર લગભગ સમાપ્ત થઈ ગયા છીએ. અહીં બધા લોકો પર્યટન પર ગુજરાન ચલાવે છે. હુમલાના કારણે અમે ફરી પાયમાલ થઈ જઈશું. હાલ પહેલગામ એક ભૂતિયા શહેરમાં ફેરવાઈ ગયું છે. ફક્ત લિડર નદીનો અવાજ સાંભળી શકાય છે.
ગુરુવારે મૃતક શૈલેષ કળથિયાના પત્ની શિતલબેને કેન્દ્રિય પ્રધાન સામે આક્રોશ ઠાલવતા કહ્યું કે, કાશ્મીરમાં કાંઈ વાંધો નથી, સરકાર-સિક્યોરિટી શું કરતી હતી. શિતલબેને સરકારની કામગીરી પર અનેક સવાલો ઊઠાવ્યા હતા, જેના જવાબ નેતાઓ આપી શક્યા ન હતા. પાટીલની હાજરીમાં મૃતક શૈલેષ કળથિયાના પત્ની શિતલબેને કહ્યું કે, ‘આ છોકરાઓનું ભવિષ્ય શું? દીકરાને એન્જિનિયર બનાવવો છે, દીકરીને ડોક્ટર બનાવવી છે. હું કઈ રીતે બનાવીશ. મારે ન્યાય જોઈએ, મારા છોકરાઓનું ભવિષ્ય ખરાબ ન થવું જોઈએ. મારા પતિની આટલા વર્ષની સર્વિસમાં તમે ટેક્સ કાપીને પગાર આપ્યો છે ને? અને ઉપર જતાં અમે કોઈ વસ્તુ ખરીદીએ, ક્યાંય જઈએ તો ફરીથી ટેક્સ. ટોલ ટેક્સ બધા ટેક્સ અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી તો કોઈ સુવિધા નથી મળી તેનો મને ન્યાય જોઈએ.
આપણ વાંચો: Video: જમ્મુ કાશ્મીરમાં એક આતંકવાદીના ઘરે બોમ્બ વિસ્ફોટ, એકના ઘર પર બુલડોઝર ચાલ્યું