
નવી દિલ્હી: 43 વર્ષની વયે ઑસ્ટ્રેલિયન ઓપન જીતનારા રોહન બોપન્ના પોતાની કારકિર્દીની સૌથી ખુશહાલીની પળો માણી રહ્યો છે ત્યારે તાજેતરમાં જ આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક સમયે રોહન પોતે ટેનિસને અલવિદા કહેવા માગતો હતો, એવો ખુલાસો તેણે એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયન ઓપનમાં ડબલ્સ કેટેગરીમાં જીત હાંસલ કર્યા બાદ તે હવે મેન્સ ડબલ્સમાં પહેલા ક્રમાંકે છે અને તેમના પોતાના શબ્દોમાં કહીએ તો તે હાલ સાતમા આસમાને હોય તેવું મહેસૂસ કરી રહ્યો છે. જોકે તેના જીવનમાં એક એવો સમય પણ આવ્યો હતો, જ્યારે તેણે ટેનિસ રમવાનું મૂકી દઇ રમતના મેદાનમાંથી સન્યાસ લેવાનું નક્કી કરી લીધુ હતું. આ સિવાય તેણે ઉંમરના વિવિધ પાસાઓ વિશે પણ વાત કરી હતી.
જોકે પોતાની તાજેતરની જીત વિશે વાત કરતા તેણે જણાવ્યું હતું કે આ પહેલા તે જ્યારે પણ કોઇ ટુર્નામેન્ટ રમીને ભારત પાછો આવતો, ત્યારે ચૂપચાપ કાર લઇને ઘરે જતો. પણ આ વખતે ઍરપોર્ટ પર તેનું જે રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એ પળ પોતાની સૌથી વધુ ખુશીની પળોમાંની એક હોવાનું રોહને જણાવ્યું હતું.
આ સિવાય પોતાના મીમ્સ જોઇને તેમ જ અમૂલ કંપનીના કાર્ટૂનમાં જે રીતે તેના વખાણ કરવામાં આવ્યા તે જોઇને ખૂબ ખુશી થઇ હોવાનું રોહને કહ્યું હતું. સોશિયલ મીડિયા પર પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને માસ્ટર બ્લાસ્ટર સચિન ટેંડુલકરે પણ રોહનને જીતના વધામણા આપ્યા હતા.
જોકે આ જીત અને આ સફળતા પૂર્વે પોતે કરેલા સંઘર્ષ વિશે પણ રોહન વિગતમાં જણાવે છે. તે કહે છે કે અમુક વર્ષો પહેલા હું સતત હારી રહ્યો હતો અને એ વખતે મેં મારી પત્ની સુપ્રિયા અનૈયાને કહ્યું હતું કે હવે હું ટેનિસ છોડી દઇશ. પણ ત્યારબાદ જેવું રોહને પોતાને અભિવ્યક્ત કરવાનું શરૂ કર્યું, ચીજો બદલાવવા માંડી. તે કહે છે કે મેં વિચાર્યું કે હું અહીંયા કેમ આવ્યો છું?પછી મેં પોતાના પર વિશ્ર્વાસ કર્યો. ત્યારબાદ પરિણામો બદલાવવા માંડ્યા. ઇન્ટરવ્યૂ દરમિયાન રોહને પોતાના ડબલ્સના પાર્ટનર મેથ્યુ એબ્દડનની પણ ખૂબ પ્રશંસા કરી.