PMના મુખ્ય સચિવ પદે P. K. MIshra અને Ajit Dovalને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે યથાવત રખાયા

નવી દિલ્હી: નવનિર્મિત મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રીઓને સ્થાન મળી ચૂક્યું છે અને તેઓએ તેમના પદભાર પણ સંભાળી લીધા છે ત્યારે હવે સરકારે અધિકારીઓને પણ તેમના પદ સોંપી દીધા છે. અજીત ડોભાલને ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નીમવામાં આવ્યા છે. જો કે પીકે મિશ્રાને પીએમ મોદીના મુખ્ય સચિવના પદે યથાવત રાખવામાં આવ્યા છે. 2014 ના વર્ષે અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની જવાબદારી સોંપવામાં આવી હતી અને 2019માં પણ તેને પદ પર યથાવત રાખવામાં આવ્યું હતું અને આ તેમનો ત્રીજો કાર્યકાળ રહેશે.
તો આ સાથે પીકે મિશ્રાને વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવના પદે યથાવત રાખવામા આવ્યા છે. પીકે મિશ્રાથી ઓળખાતા પ્રમોદ કુમાર મિશ્રા ગુજરાત કેડરના 1972 ની બેચના IAS અધિકારી છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે પણ પીકે મિશ્રા તેમના સચિવ પદે રહી ચૂક્યા છે. અજીત ડોભાલ 1968ની બેચના કેરળ કેડરના IPS અધિકારી છે. તેમણે મિઝોરમ, કશ્મીર અને પંજાબમાં આતંકી પ્રવૃતિઓને ડામવા માટે સક્રિય કામગીરી બજાવી ચૂક્યા છે.
અજીત ડોભાલનો ઇતિહાસ પણ દિલચપ્સ રહ્યો છે તેમણે પોલીસ અધિકારી તરીકે ઘણા ઓપરેશન કર્યા હતા. તેમણે કોંગ્રેસની સાથે પણ તેટલું જ કામ કર્યું છે જેટલું ભાજપની સરકારની સાથે કર્યું છે. તેમણે મહત્તમ વિગતો સાથે અનેક ઓપરેશન પાર પાડયા હતા. સૌપ્રથમ મિઝો રેકોર્ડમાં મહત્વની ભૂમિકા નિભાવવાની સાથે તેઓની નિષ્ઠાની વાત સામે આવી હતી.
જો કે સિક્કિમને જ્યારે રાજ્યનો દરજ્જો મળ્યો ત્યારે પણ તેમણે મહત્વની ભૂમિકા નિભાવી હતી. 1984 ના હુલ્લડો વખતે તેઓ પાકિસ્તાનમાં હતા અને તેઓ જાસૂસના રૂપમાં કાર્ય કરી રહ્યા હતા. 1988 ના વર્ષે ઓપરેશન બ્લેક થંડર કરવામાં આવ્યું, ત્યારે પણ તેમણે મહત્વની ભૂમિકા નિભાવી હતી. એમપણ કહેવાય છે કે પાકિસ્તાની એજન્ટના રૂપે આતંકીઓની સાથે ત્રણ મહિના સુધી સ્વર્ણમંદિરમાં છુપાઈ રહ્યા હતા. તેમના નેતૃત્વમાં જ NSGનું ઓપરેશન સફળ થયું હતું અને તેમની કામગીરીને બિરદાવતા તેઓને કીર્તિ ચક્રથી નવાજવામાં આવ્યા હતા.