દિલ્હી બ્લાસ્ટ મુદ્દે ઓવૈસીની આકરી પ્રતિક્રિયા,કહ્યું રાષ્ટ્ર વિરોધી તત્વોનો ખુલ્લે આમ વિરોધ જરૂરી…

હૈદરાબાદ : દિલ્હી બ્લાસ્ટ મુદ્દે રાજકીય નિવેદનો કરવામાં આવી રહ્યા છે. જેમાં એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે દેશ વિરુદ્ધ કાવતરું કરનારા ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ રાષ્ટ્રના દુશ્મન છે અને તેમનો ખુલ્લેઆમ વિરોધ કરવો જોઈએ. ઓવૈસીએ કહ્યું કે સંગઠન બનાવવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. પરંતુ કેટલાક લોકો એમોનિયમ નાઈટ્રેટ લઈને ફરી રહ્યા છે. જે સીધી રીતે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે.
દેશના દુશ્મનો ભલે ગમે તે સમુદાયના હોય આપણા દુશ્મનો
ઓવૈસીએ કહ્યું કે દિલ્હી વિસ્ફોટમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે આ માનસિકતા અત્યંત ખતરનાક છે અને તેને કોઈપણ કિંમતે સહન ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે દેશના દુશ્મનો ભલે ગમે તે સમુદાયના હોય આપણા દુશ્મનો છે. જો આવી પ્રવૃત્તિઓનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં નહીં આવે તો આવા લોકોને છૂટ મળશે.
મુસ્લિમો બીજા વર્ગના નાગરિક બની જશે તે ભૂલભરેલું
ઓવૈસીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જે કોઈ એવું વિચારે છે કે મુસ્લિમો બીજા વર્ગના નાગરિક બની જશે તે ભૂલભરેલું છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી દુનિયા છે ત્યાં સુધી ભારતીય મુસ્લિમો અહીં ભારતીય નાગરિકો તરીકે જીવીત રહેશે. તેમણે કહ્યું કે મુસ્લિમો લોકશાહી માળખામાં પોતાના અધિકારો માટે લડતા રહેશે. તેમણે કહ્યું કે જો તમે એક મસ્જિદને તોડો છો તો અમારી પાસે અનેક મસ્જિદો બનાવવાની તાકત છે.
આ પણ વાંચો…દિલ્હી બ્લાસ્ટમાં નવો ખુલાસો: આતંકવાદીઓની વચ્ચે મતભેદો હતા અને ઉમરની એક ભૂલે બગાડ્યું કામ…



