ટ્રમ્પ માદુરોને ઉઠાવી શકે તો પીએમ મોદી પાકિસ્તાનથી 26/11ના માસ્ટરમાઇન્ડને કેમ નહીં?-ઓવૈસી

મુંબઈઃ વિશ્વના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાનો જો કોઈ મુદ્દો હોય તો તે છે વેનેઝુએલા અમેરિકી વિશેષ દળોએ કરેલી કાર્યવાહી. અમેરિકી વિશેષ દળોએ એક ગુપ્ત અને અત્યંત જટિલ સૈન્ય અભિયાન ચલાવીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી લીધી છે.
અમેરિકાએ આ મિશનને ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ નામ આપ્યું છે. ત્યારે આ મુદ્દે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો હતો.
મુંબઈના ગોવંડીમાં એક જાહેર સભાને સંબોધતા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો હતો. અમેરિકા દ્વારા વેનેઝુએલામાં કરવામાં આવેલા તાજેતરના સૈન્ય ઓપરેશનનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ જણાવ્યું હતું કે, જો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દળો બીજા દેશમાં ઘૂસીને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરીને તેમને અમેરિકા લઈ જઈ શકતા હોય, તો ભારત સરકાર પણ આવું સાહસ કેમ નથી બતાવતી? તેમણે પીએમ મોદીને પડકાર ફેંકતા કહ્યું કે ભારત પણ પાકિસ્તાનમાં ઘૂસીને ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડને પકડીને દેશમાં પરત લાવી શકે છે.
ઓવૈસીએ વધુમાં ઉમેર્યું હતું કે, પાકિસ્તાન સ્થિત આતંકી આકાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂર છે. તેમણે સાઉદી અરબની સૈન્ય કાર્યવાહીનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે જ્યારે વિશ્વની મહાસત્તાઓ પોતાના દુશ્મનોને અન્ય દેશોમાંથી શોધીને પકડી શકે છે, ત્યારે ભારત પાકિસ્તાનમાં છુપાયેલા આતંકીઓને પાછા લાવવામાં કેમ પાછળ છે?
આ પણ વાંચો…વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ન્યૂયોર્ક લવાશે, ફ્રાન્સે હુમલાની નિંદા કરી…



