જ્ઞાનવાપી મુદ્દે હિન્દુ પક્ષે ચુકાદો આવતા ઓવૈસી લાલઘૂમ, કહ્યું ‘ફરીવાર થઈ શકે છઠ્ઠી ડિસેમ્બર’
વારાણસી: વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી દીધી છે. જેને લઈને મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહાલીએ જ્ઞાનવાપીના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે કોર્ટના આ નિર્ણયથી ખૂબ જ નિરાશ છીએ અને આ નિર્ણય સામે અમારી પાસે હાઈકોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો છે. જેથી મુસ્લિમ પક્ષે હાઇકોર્ટમાં આ ચુકાદાને પડકારવાની તૈયારી પણ દર્શાવી દીધી છે.
તેવામાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું, “આજે ન્યાયાધીશ સાહેબની નિવૃત્તિનો છેલ્લો દિવસ હતો. 17 જાન્યુઆરીએ એક રીસીવરની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે સમગ્ર કેસ જ ડીસાઇડ કરી દીધો હતો. જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે ચૂપ્પી નહીં તોડે કે તેઓ આની સાથે છે, ત્યાં સુધી આ બધું ચાલુ રહેશે.”
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “1993થી, તમે પોતે જ કહી રહ્યા હતા કે ત્યાં કશું થઈ રહ્યું નથી. અપીલ માટે 30 દિવસનો સમય આપવાનો હતો. જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપવી તે ખોટું છે.” બાબરી ધ્વંસ સાથે જોડાયેલા એક સવાલ પર તેમણે કહ્યું કે હા, 6 ડિસેમ્બર ફરી થઈ શકે છે, કેમ ન થઈ શકે?
મીડિયા રિપોર્ટ્સ મુજબ મુસ્લિમ પક્ષે વારાણસી જિલ્લા કોર્ટના નિર્ણયને પડકારવાનો નિર્ણય કર્યો છે. હિન્દુ પક્ષના વકીલે કહ્યું કે જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે વ્યાસજીના પૌત્ર શૈલેન્દ્રને ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે.
તેમણે જણાવ્યું કે કોર્ટે પોતાના આદેશમાં જિલ્લા અધિકારીને વ્યાસજીના ભોંયરામાં સ્થિત મૂર્તિઓની પૂજા અને વાદી શૈલેન્દ્ર વ્યાસ અને કાશી વિશ્વનાથ ટ્રસ્ટ દ્વારા નિયુક્ત પૂજારીઓ દ્વારા રાજ ભોગની કરવાની વ્યવસ્થા સાત દિવસની અંદર કરવા આદેશ આપ્યો છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે જ્ઞાનવાપી પર કોર્ટના નિર્ણયને આવકાર્યો છે . તેમણે કહ્યું કે ભારતમાં હિંદુઓને તેમના પોતાના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે, માનનીય કોર્ટનો નિર્ણયનું સ્વાગત છે. તેમણે કહ્યું હતું કે ‘અયોધ્યા તો કેવલ ઝાંખી હૈ, આગે રામ લીલા બાકી હૈ’