નેશનલ

બિહાર અને ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી અને કરા પડવાથી 50થી વધુ લોકોના મોત

નવી દિલ્હી: છેલ્લા બે દિવસથી બિહાર અને ઉત્તર પ્રદેશના વાતવરણમાં પલટો આવ્યો છે. બંને રાજ્યોના ઘણા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ વરસ્યો (Thunder storm in Bihar and UP) હતો, આ દરમિયાન ભારે પવન ફૂંકાયો હતો. અહેવાલ મુજબ વીજળી પડવા અને વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 47 લોકોના મોત નીપજ્યા છે.

અહેવાલ મુજબ બિહારમાં વીજળી પડવા અને કરા પડવાથી 25 લોકો માર્યા ગયા છે. બિહારના મુખ્યપ્રધાન કાર્યાલય (CMO) દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, નાલંદામાં 18, સિવાનમાં બે, કટિહાર, દરભંગા, બેગુસરાય, ભાગલપુર અને જહાનાબાદમાં એક-એક વ્યક્તિના મોત થયા છે. બુધવારે બિહારના ચાર જિલ્લાઓમાં વીજળી પડવાથી 13 લોકોના મોત થયા હતા.

નાલંદામાં ઝાડ પડતા 6 લોકોના મોત:
નાલંદા જીલ્લામાં એક આઘાતજનક ઘટના બની હતી. વરસાદ સાથે ફૂંકાયેલા ભારે પવનને કારણે નગ્મા ગામમાં આવેલા એક મંદિર પાસે આવેલું ઝાડ ધરાશાયી થયું હતું, જેને કારણે ઝાડની નીચે ઉભેલા 6 લોકો દટાઈ ગયા હતાં. આ ઘટના ગુરુવારે સાંજે 4 વાગ્યાના અરસામાં બની હતી. અહેવાલ મુજબ અચાનક આવેલા વરસાદથી બચવા માટે લોકોએ મંદિર પાસેના એક ઝાડ નીચે આશરો લીધો હતો. દરમિયાન અચાનક ઝાડ પડી ગયું. જેના કારણે ઘણા લોકો ઝાડ નીચે દટાઈ ગયા.

બિહારના મુખ્ય પ્રધાને સહાય જાહેર કરી:
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે રાજ્યમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે મૃતકોના પરિવારજનો માટે ₹4 લાખની સહાયની જાહેરાત કરી છે.

બિહારના RJD નેતા તેજસ્વી યાદવે X પરની એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે રાજ્યભરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 50 થી વધુ લોકોનાં મોત થયા છે. તેમણે X પર હિન્દીમાં લખ્યું, “બિહારમાં વરસાદ, વીજળી પડવા, ઝાડ અને દિવાલ પડવાની વિવિધ ઘટનાઓમાં 50 થી વધુ લોકોના દુઃખદ મૃત્યુથી મને આઘાત લાગ્યો છે. હું હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. આ દુઃખની ઘડીમાં ભગવાન પીડિત પરિવારોને શક્તિ આપે.”

બિહારમાં હજુ પણ વરસાદ પડશે:
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દરભંગા, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, પશ્ચિમ ચંપારણ, કિશનગંજ, અરરિયા, સુપૌલ, ગયા, સીતામઢી, શિયોહર, નાલંદા, નવાદા અને પટના સહિત સંખ્યાબંધ જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં શુક્રવાર અને શનિવારે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

આપણ વાંચો:  દિલ્હીમા પ્રોપર્ટી ડીલરની રોડ પર જ ગોળી મારીને હત્યા, 10 રાઉન્ડ ફાયરિંગ કરાયું

ઉત્તર પ્રદેશમાં 22ના મોત:
પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં, રાજ્યના 15 જિલ્લાઓમાં વરસાદ, કરા અને વીજળી પડવાથી 22 લોકો માર્યા ગયા હતા. ફતેહપુર અને આઝમગઢ જિલ્લામાં ત્રણ-ત્રણ, ફિરોઝાબાદ, કાનપુર દેહાત અને સીતાપુર જિલ્લામાં બે-બે, ગાઝીપુર, ગોંડા, અમેઠી, સંત કબીર નગર અને સિદ્ધાર્થ નગર જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયા છે. બલિયા, કન્નૌજ, બારાબંકી, જૌનપુર અને ઉન્નાવ જિલ્લામાં વીજળી પડવાથી એક-એકનું મોત થયું હતું.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અધિકારીઓને મૃતકોના પરિવારોને તાત્કાલિક ₹4 લાખની સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, યોગી આદિત્યનાથે અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવા અને અસરગ્રસ્તોને યોગ્ય સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button