
ગ્વાલિયર: આગ્રા-મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગત મધ્યરાત્રિએ એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત થયો હતો. શીતલા માતા મંદિર ગેટ પાસે બેકાબૂ ઝડપે આવતી કારે રસ્તા પર ચાલી રહેલા કાવરિયાઓના જૂથને કચડી નાખ્યું હોવાની ઘટના બની હતી. આ અકસ્માતમાં 4 કાવરિયાઓનું મોત થયું છે. જેમાંથી ત્રણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. કારમાં સવાર તમામ લોકો પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
ગ્વાલિયરના ઘાટીગાંવ વિસ્તારના ચાર કાવડિયાઓનું મોત
સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે રાત્રે એક વાગે આ અકસ્માત થયો હતો. કાવડિયાઓનું એક જૂથ શાતળા માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે પાછળથી આવતી રહેલી બેકાબૂ કારે તેમને અડફેટે લીધા હતાં. અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ કાવરિયાઓ ગ્વાલિયરના ઘાટીગાંવ વિસ્તારના સિમરિયા પંચાયતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આપેલી વિગતો પ્રમાણે પૂરણ બંજારા, રમેશ બંજારા, દિનેશ બંજારા અને ઘાટીગાંવના રહેવાસી ધર્મેન્દ્ર ઉર્ફે છોટુનું આ અકસ્માતમાં મોત થયું છે. ચાર લોકોના મોત સાથે અનેક કાવરિયાઓ ઘાયલ પણ થયા હતા, જેમને તાત્કાલિક ગ્વાલિયરના JAH ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
આ સમગ્ર કેસમાં પોલીસે કરેલી તપાસમાં એવું જાણવા મળ્યું કે, કારનું ટાયર અચાનક ફાટી ગયું હતું, જેના કારણે ડ્રાઇવરે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો અને કાવરિયાઓને અડફેટે લીધા હતાં. જોકે, એરબેગ ખુલી જવાને કારણે કારમાં સવાર લોકોના જીવ બચી ગયા હતા. તેઓ પણ ઘાયલ થયા હતા, પરંતુ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે ડ્રાઈવરની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી
અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકો આવી ગયા હોવાથી પોલીસે તાત્કાલિક શહેરના ઘણા પોલીસ સ્ટેશનોમાંથી ફોર્સને ઘટનાસ્થળે બોલાવી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે કારને જપ્ત કરી છે. જ્યારે ડ્રાઈવરની પણ અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી દીધી છે. જ્યારે કારમાં કોણ કોણ સવાર હતું? કેવી રીતે અકસ્માત થયો તેની અત્યારે તપાસ ચાલી રહી છે.