કાંટે કે ટક્કરઃ ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ નોંધાવી ઉમેદવારી, આપ્યું મહત્ત્વનું નિવેદન | મુંબઈ સમાચાર
નેશનલ

કાંટે કે ટક્કરઃ ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ નોંધાવી ઉમેદવારી, આપ્યું મહત્ત્વનું નિવેદન

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડે રાજીનામું આપ્યા પછી હવે નવા ઉપ રાષ્ટ્રપતિના ઉમેદવારોના નામની જાહેરાત સાથે ઉમેદવારીપત્ર પણ ભર્યું હતું.

એનડીએ ગઠબંધને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, જ્યારે આજે કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધને બી. સુદર્શનના નામ પર મહોર મારવામાં આવ્યા પછી તેમને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.

વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીએ આજે કોંગ્રેસના ટોચના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની હાજરીમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

આપણ વાંચો: 150 સાંસદના સસ્પેન્શન પર કેમ ચર્ચા નહીં?: ઉપ રાષ્ટ્રપતિની મિમિક્રી કેસમાં રાહુલ ગાંધીનો સવાલ

બાદમાં તેમણે કહ્યું હતું કે આ ચૂંટણી કોઈ એક વ્યક્તિ અંગે નથી પરંતુ આખા ભારતના અવધારણા અંગે છે જ્યાં સંસદ નિષ્ઠા સાથે કામ કરે, અસહમતિનું સન્માન કરવામાં આવે છે અને સંસ્થાઓ સ્વતંત્રતા અને નિષ્પક્ષતા સાથે લોકોની સેવા કરે.

એક નિવેદનમાં રેડ્ડીએ કહ્યું હતું કે “આજે મને વિરોધ પક્ષોના સંયુક્ત ઉમેદવાર તરીકે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે મારા ઉમેદવારી પત્ર ભરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. હું આ ઉમેદવારી પત્ર નમ્રતા, જવાબદારી અને આપણા બંધારણમાં દર્શાવેલ મૂલ્યો પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાની ઊંડી ભાવના સાથે દાખલ કરું છું.”

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, એનસીપી (એસપી) વડા શરદ પવાર, એસપી નેતા રામગોપાલ યાદવ, ડીએમકેના તિરુચી શિવા, ટીએમસીના શતાબ્દી રોય, શિવસેના (યુબીટી)ના સંજય રાઉત, સીપીઆઈ (એમ)ના જોન બ્રિટાસ સહિત ટોચના વિપક્ષી નેતાઓની હાજરીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

આપણ વાંચો: ઉપ રાષ્ટ્રપતિની મિમિક્રી કરવા બદલ TMC સાંસદ વિરુદ્ધ કેસ દાખલ, ધરપકડની શક્યતા

નોંધણી દાખલ કર્યા પછી એક નિવેદનમાં રેડ્ડીએ સંકલ્પ લીધો હતો કે જો તેઓ ચૂંટાઈને આવશે તો ઉપરાષ્ટ્રપતિની ભૂમિકા નિષ્પક્ષતા, ગરીમા અને સંવાદ અને શિષ્ટાચાર પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા સાથે નિભાવશે. તેમણે કહ્યું કે રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ઉપરાષ્ટ્રપતિ સંસદીય લોકશાહીની સર્વોચ્ચ પરંપરાઓનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવે છે.

રેડ્ડીએ રાજ્યસભાના સેક્રેટરી જનરલ સમક્ષ ચાર સેટ નોમિનેશન પેપર્સ રજૂ કર્યા, જે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર પણ છે. 160 જેટલા સાંસદોએ પ્રસ્તાવક અને સમર્થક તરીકે સહી કરી છે. આમાં ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, ડિમ્પલ યાદવ, અખિલેશ યાદવ અને અન્ય ટોચના નેતાઓનો સમાવેશ થાય છે.

દરેક સેટમાં 20 ગૌણ પ્રસ્તાવકો પણ હોય છે. રિટર્નિંગ ઓફિસરે નામાંકન દસ્તાવેજોની ચકાસણી કરી અને રેડ્ડીને એક સ્લિપ આપી હતી. સંભવિત ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારે પોતાના નામાંકન પત્ર પર ઓછામાં ઓછા 20 મતદારો દ્ધારા પ્રસ્તાવક તરીકે અને ઓછામાં ઓછા 20 મતદારો સમર્થક તરીકે ઉમેદવારી નોંધાવે છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી મંડળમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યોનો સમાવેશ થાય છે. રાજ્યસભાના નામાંકિત સભ્યો પણ મતદાન કરી શકે છે. ચૂંટણી મંડળની અસરકારક સંખ્યા 781 છે અને બહુમતીનો આંકડો 391 છે.

શાસક પક્ષ એનડીએએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, જેઓ તમિલનાડુના આરએસએસ પૃષ્ઠભૂમિ ધરાવતા ભાજપના અનુભવી નેતા છે.

રાધાકૃષ્ણને બુધવારે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. શાસક પક્ષને ઓછામાં ઓછા 422 સભ્યોનું સમર્થન છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષના ઉમેદવારની ચૂંટણીમાં આ વખતે જોરદાર ટક્કર રહી શકે છે, એમ વર્તુળોએ જણાવ્યું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button