વિપક્ષ ભાજપનો ચક્રવ્યૂહ તોડી પાડશે: રાહુલ ગાંધી

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોમવારે મહાભારતની ચક્રવ્યૂહની રચનાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે દેશમાં ડરનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે અને એવો આક્ષેપ કર્યો હતો કે આ બજેટનો એકમાત્ર હેતુ મૂડી પર એકાધિકાર, રાજકીય એકાધિકાર અને અંતિમવાદી તત્ત્વોનું રક્ષણ કરવાનો છે.
લોકસભામાં કેન્દ્રીય બજેટ પરની ચર્ચામાં સહભાગી થતાં ગાંધીએ એવો દાવો કર્યો હતો કે ડર ચક્રવ્યૂહના માધ્યમથી ફેલાવવામાં આવ્યો છે, જેમાં બધા જ સપડાયા છે. જેમાં ભાજપના સંસદસભ્યો, ખેડૂતો અને કામગારોનો પણ સમાવેશ થાય છે.
હજારો વર્ષ પહેલાં હરિયાણાના કુરુક્ષેત્રમાં છ લોકોએ એક યુવાન અભિમન્યુને મારી નાખ્યો હતો. અભિમન્યુ ચક્રવ્યૂહમાં ફસાયો હતો અને માર્યો ગયો હતો, એમ રાહુલે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે ચક્રવ્યૂહનું બીજું એક નામ પદ્મવ્યૂહ પણ છે, કેમ કે તે કમળ (ભાજપનું ચૂંટણી ચિહ્ન) જેવી દેખાતી યુદ્ધની ગોઠવણ છે.
આ પણ વાંચો: Parliament: સાંસદોને અંદર આવતા અટકાવવામાં આવ્યા… વિપક્ષી સાંસદોનો હોબાળો
તમે ચક્રવ્યૂહ ઘડો અને અમે તેને તોડી નાખીશું, એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે જાતિ આધારિત વસતી ગણતરી કરીને આ ચક્રવ્યૂહને તોડી નાખવામાં આવશે.
21મી સદીમાં બીજો ચક્રવ્યૂહ તૈયાર કરવામાં આવ્યો છે અને તે કમળના સ્વરૂપમાં છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ચિહ્નને પોતાની છાતી પર ધારણ કરે છે. જે અભિમન્યુ સાથે થયું તે યુવાનો, મહિલા, ખેડૂતો અને એમએસએમઈ સાથે થઈ રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.
દેશને ભરડામાં લેનારા ચક્રવ્યૂહમાં ત્રણ શક્તિઓ કામ કરી રહી છે, મૂડીમાં એકાધિકારશાહી અને આર્થિક તાકાતનું એકત્રિતકરણ, સંસ્થાઓ તેમ જ સીબીઆઈ, ઈડી અને આઇટી જેવી એજન્સીઓ અને રાજકીય કારોબારી. આ ત્રણેય સાથે મળીને ચક્રવ્યૂહના કેન્દ્રમાં છે. તેમણે દેશને બરબાદ કરી નાખ્યો છે.
મને બજેટમાં એવી અપેક્ષા હતી કે આ ચક્રવ્યૂહને નબળો કરવામાં આવશે. અમને એવી અપેક્ષા હતી કે ખેડૂતો, શ્રમિકો અને નાના તેમ જ મધ્યમ વ્યાપારને મદદ કરવામાં આવશે, એમ રાહુલે કહ્યું હતું.
આ ચક્રવ્યૂહે નાના અને મધ્યમ વ્યાપારને ખતમ કરી નાખ્યા છે. આ નોટબંધી અને ટેક્સ આતંકવાદના માધ્યમથી કરવામાં આવ્યું હતું. બજેટમાં ટેક્સ આતંકવાદને ખતમ કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પેપર લીક પર એક શબ્દ ઉચ્ચાર્યો નથી, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)