વિપક્ષો સનાતન ધર્મનો નાશ કરવા માગે છે: મોદી
બીના (મધ્ય પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિપક્ષના જોડાણને અહંકારી ગણાવ્યું હતું અને આરોપ મૂક્યો હતો કે તે સનાતન ધર્મનો નાશ કરવા અને દેશને હજાર વર્ષની ગુલામીમાં ધકેલી દેવા માગે છે. જી-વીસ સમિટની સફળતાનો શ્રેય દેશના લોકોને જાય છે એવો નિર્દેશ કરી તેમણે ઉમેર્યું હતું કે તેનાથી દેશભરના ગામડાઓમાં પણ બાળકોના આત્મવિશ્ર્વાસમાં વધારો થયો છે. વડા પ્રધાન મધ્ય પ્રદેશના સાગર જિલ્લાની બીના રિફાઇનરીના રૂ. ૪૯,૦૦૦ કરોડના પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કર્યા પછી બોલી રહ્યા હતા. ભાજપ શાસિત એમપીમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે ત્યારે રાજ્યમાં અન્ય દસ ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ આવી રહ્યાં છે. બે મહિનામાં ઉત્તર પ્રદેશની સરહદે આવેલા બુંદેલખંડ પ્રદેશમાં સાગર જિલ્લાની આ તેમની બીજી મુલાકાત હતી. મોદીના પુરોગામી મનમોહન સિંહે મે ૨૦૧૧માં બીપીસીએલની બીના રિફાઈનરીનું ઉદ્ઘાટન કર્યું હતું. તાજેતરમાં મુંબઈમાં ‘ઘમંડિયા’ જોડાણની બેઠક મળી હતી, તેમની પાસે ન તો કોઈ નીતિ છે, ન કોઈ મુદ્દા, ન કોઈ નેતા. તેમની પાસે સનાતન ધર્મ પર હુમલો કરવાનો છુપો એજન્ડા છે જે તેઓ નાશ કરવા માગે છે એમ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. મહાત્મા ગાંધીએ સનાતન ધર્મમાંથી પ્રેરણા લીધી હતી અને તેમની સ્વતંત્રતા માટેની લડત તેની આસપાસ કેન્દ્રિત હતી. ગાંધીએ આખી જિંદગી સનાતન ધર્મનું પાલન કર્યું અને તેમના છેલ્લા શબ્દો હે રામ હતા એમ મોદીએ જણાવ્યું હતુ. ઈન્દોરના શાસક અહલ્યાબાઈ હોલકર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, સ્વામી વિવેકાનંદ અને લોકમાન્ય ટિળક જેવી મહાન ઐતિહાસિક હસ્તીઓએ પણ સનાતન ધર્મમાંથી પ્રેરણા લીધી હતી. તેઓએ (વિપક્ષ) ખુલ્લે આમ બોલવાનું શરૂ કર્યું છે. તેઓ અમારા પર તેમના હુમલાને વધુ તીવ્ર બનાવશે. દેશના ખૂણે ખૂણે સનાતન ધર્મના દરેક અનુયાયીઓ અને રાષ્ટ્રપ્રેમીઓએ જાગ્રત રહેવું પડશે, મોદીએ કહ્યું. ભારતીય જોડાણ સનાતન ધર્મને નાબૂદ કરવા અને દેશને હજાર વર્ષની ગુલામીમાં ધકેલી દેવા માગે છે. પરંતુ અમે આ દળોને આપણી એકતા સાથે રોકી તેમના પ્રયાસને નિષ્ફળ બનાવવો પડશે, એમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતુ. વડા પ્રધાનનો વિરોધી જૂથ પરનો હુમલો ડીએમકેના નેતા અને તમિલનાડુના પ્રધાન
ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદનને પગલે છે કે સનાતન ધર્મ સામાજિક ન્યાયની વિરુદ્ધ છે અને એનો અંત થવો જોઈએ. એક અન્ય ડીએમકે નેતા એ રાજા સનાતન ધર્મને રોગો સાથે સરખાવે છે. વડા પ્રધાને, તે દરમિયાન, એમ પણ કહ્યું કે તાજેતરમાં જ પૂર્ણ થયેલ જી-વીસ સમિટની સફળતાનો શ્રેય ભારતના ૧૪૦ કરોડ લોકોને જાય છે. આ સફળતાથી દેશના લોકોનું માથું ઊંચું થયું છે અને તેમની છાતી ગર્વથી ભરાઈ ગઈ છે, તેમણે કહ્યું, આનો શ્રેય મોદીને જતો નથી. આનો શ્રેય ૧૪૦ કરોડ લોકોને જાય છે. ગામડાના દરેક બાળક જી-૨૦થી વાકેફ હતા. તેનાથી તેમના આત્મવિશ્ર્વાસમાં વધારો થયો છે. તે ટીમ ભાવના હતી જેણે તેને સફળ બનાવ્યું, મોદીએ ઉમેર્યું હતુ. કૉંગ્રેસનું નામ લીધા વિના તેના પર નિશાન સાધતા તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશમાં લાંબા સમય સુધી શાસન કરનારાઓએ માત્ર ભ્રષ્ટાચાર અને ગુનાખોરી સિવાય કંઈ કર્યું નથી. રાજ્યમાં અગાઉ ગુનેગારોનો દબદબો હતો. પરંતુ અમને (ભાજપ)ને (શાસન કરવાની) તક આપવામાં આવ્યા પછી, અંધેર અને ભ્રષ્ટાચાર અદૃશ્ય થઈ ગયો છે, મોદીએ કહ્યું. વાતાવરણમાં બદલાવ આવતાં ઉદ્યોગકારો રાજ્યમાં રોકાણ કરી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું. મોદીએ કહ્યું કે, મધ્ય પ્રદેશ, જે એક સમયે સૌથી પછાત રાજ્યોમાંનું એક હતું, તે હવે નવી ઊંચાઈઓ સર કરવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે દેશ ગુલામીની માનસિકતામાંથી બહાર આવ્યો છે અને નવું ભારત ગૌરવ સાથે આગળ વધી રહ્યું છે. તેમની સરકાર દેશમાં મહિલાઓને ૭૫ લાખ નવા ગૅસ કનેક્શન આપશે જેથી દરેક ઘરમાં રાંધણગૅસ મળે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું. મધ્ય પ્રદેશમાં રૂ. ૫૦,૦૦૦ કરોડના પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવી રહ્યા છે, જે રાજ્યના વિકાસને વેગ આપશે, તેમણે કહ્યું. અગાઉ, ૧૨ ઑગસ્ટના રોજ, વડા પ્રધાને સાગર શહેરમાં સંત રવિદાસને સમર્પિત ૧૦૦ કરોડ રૂપિયાના મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. ગયા વર્ષે ૧૭ સપ્ટેમ્બરના રોજ રાજ્યની તેમની મુલાકાતથી શરૂ કરીને જ્યારે તેમણે કુનો નેશનલ પાર્કમાં લવાયેલા નામીબિયન ચિત્તાઓ છોડ્યા હતા, છેલ્લા એક વર્ષમાં મોદીની મધ્ય પ્રદેશની આ આઠમી મુલાકાત છે. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ચૂંટણીઓમાં સાગર, છત્તરપુર, તિકમગઢ, નિવારી, દમોહ અને પન્ના જિલ્લાઓનો સમાવેશ કરતા બુંદેલખંડ પ્રદેશની ૨૬ વિધાનસભા બેઠકોમાંથી ૧૫ બેઠકો જીતી હતી. કૉંગ્રેસે નવ બેઠકો જીતી હતી જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને એક-એક બેઠક મળી હતી. આઠ વિધાનસભા બેઠકો ધરાવતા સાગર જિલ્લામાં ૨૦૧૮માં ભાજપે છ અને કૉંગ્રેસે બે બેઠકો જીતી હતી. (પીટીઆઇ)