
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ચૂક્યું છે, જેમાં આજે તેનો બીજો દિવસ હતો, પરંતુ વિપક્ષની માંગ અને હોબાળાના કારણે આજે રાજ્યસભા અને લોકસભા બંનેમાં કાર્યવાહી થઈ શકી નહોતી. આજે રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહીને કેમ સ્થગિત કરવામાં આવી હતી? આવો જાણીએ.
લોકસભા-રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો
11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ આજે કૉંગ્રેસ સહિતના વિપક્ષે પ્લેકાર્ડ બતાવવાની સાથોસાથ સૂત્રોચ્ચાર કરીને હોબાળો મચાવ્યો હતો. વિપક્ષે બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) તથા ‘ઑપરેશન સિંદૂર’ અંગે ચર્ચાની માંગ પર અડગ રહ્યા હતા.
આપણ વાંચો: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરુ, વિપક્ષ ઓપરેશન સિંદૂર અને યુદ્ધ વિરામ જેવા મુદ્દે સરકારને ઘેરશે
કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સહિત લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષને પોતાની જગ્યા પર બેસી જવા અને પ્લેકાર્ડ બતાવવાનું બંધ કરવા વિનંતી કરી હતી. જેથી ગૃહને 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું.
આજે બપોરે 12 વાગ્યે જ્યારે ફરી ગૃહ શરૂ થયું, ત્યારે પણ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો હતો. ત્યારે પ્રિસાઈડિંગ ઓફિસર સાંસદ જગદંબિકા પાલે વિપક્ષને તેમના મુદ્દાઓને લેખિતમાં બિઝનેસ એડવાઇઝરી કમિટી સમક્ષ રજૂ કરવા કહ્યું હતું.
પરંતુ વિપક્ષના સૂત્રોચ્ચારને કારણે ગૃહને 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. 2 વાગ્યે જ્યારે ગૃહ ફરી શરૂ થયું ત્યારે વિપક્ષના સાંસદોએ વેલમાં પહોંચીને સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો.
આપણ વાંચો: સંસદનું ચોમાસુ સત્ર ગરમાશે: I.N.D.I.A. ગઠબંધનની બેઠકમાં 24 પક્ષોએ સરકારને ઘેરવા મુદ્દાઓ નક્કી કર્યા!
વિપક્ષ સંસદનો સમય બગાડી રહી છે: કિરેન રિજિજુ
લોકસભાની જેમ રાજ્યસભામાં પણ વિપક્ષના હોબાળાને કારણે કોઈ કામગીરી થઈ શકી ન હતી. ગૃહ શરૂ થતાંની સાથે જ વિપક્ષના સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને બિહારમાં SIR, પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓ પર વડા પ્રધાનની હાજરીમાં ચર્ચાની માંગ કરી હતી.
સીપીઆઈના સાંસદ પી. સંતોષ કુમારે પણ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અણધાર્યા રાજીનામાની માંગ કરી હતી. જોકે, વિપક્ષના હોબાળાને કારણે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણને બે વાર ગૃહ સ્થગિત કરવું પડ્યું હતું. બપોર બાદ તેમણે આખા દિવસ માટે ગૃહ સ્થગિત કર્યું હતું.
વિપક્ષના વલણને લઈને સંસદીય બાબતોના કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, “વિપક્ષ એક તરફ ચર્ચાની માંગ કરી રહ્યું છે અને બીજી તરફ ચર્ચા થવા દેતું નથી. આ બેવડુ વલણ છે. સોમવારે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં ‘ઓપરેશન સિંદૂર’ પર ચર્ચા કરવાનો નિર્ણય લેવાયો હતો. સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે, પરંતુ વિપક્ષ પોતે જ સંસદનો સમય બગાડી રહ્યું છે.”
આપણ વાંચો: આ તારીખે શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર, સરકાર રજૂ કરશે નવા 8 બિલ, વિપક્ષનો કરવો પડશે સામનો…
લોકસભામાં બે પ્રસ્તાવ રજૂ કરાયા
ઉલ્લેખનીય છે કે, આજે લોકસભામાં ગૃહ મંત્રાલય તરફથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાની માહિતી આપવામાં આવી હતી. આ સિવાય સામાજિક ન્યાય પ્રઝાન વીરેન્દ્ર કુમારે બે પ્રસ્તાવ રજૂ કર્યા હતા.
જે પૈકીનો એક પ્રસ્તાવ ભારતીય પુનર્વસન પરિષદ માટે દિવ્યાંગોને લગતી સેવાઓ અને તાલીમનું નિયમન કરતા બે સાંસદોની ચૂંટણીનો હતો. બીજો પ્રસ્તાવ કેન્દ્રીય દિવ્યાંગતા સલાહકાર બોર્ડ માટે હતો. રાજ્યસભામાં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (NFSA) હેઠળ લાભ મેળવતા લાભાર્થીઓ અંગે માહિતી આપી હતી.