નેશનલ

‘નીરસ અને નિરાશાજનક’, બજેટ 2026 પર વિપક્ષી નેતાએ આપી આવી પ્રતિક્રિયા

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે લોકસભામાં યુનિયન બજેટ 2026 રજુ કર્યું, શાસક પક્ષના નેતા આ બજેટને ઐતિહાસિક ગણાવી રહ્યા છે, ત્યારે વિપક્ષના નેતા આ બજેટને નીરસ અને નિરાશાજનક ગણાવી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે નિર્મલા સીતારમણનાં બજેટ ભાષણને અપારદર્શક ગણાવ્યું. તેમણે કહ્યું કે ભાષણમાં સરકારના મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ માટે બજેટ ફાળવણી વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

X પર પોસ્ટ કરીને જયરામ રમેશે કહ્યું, “દસ્તાવેજોનો વિગતવાર અભ્યાસ કરવાનો બાકી છે, પરંતુ 90 મિનિટના ભાષણ પછી સ્પષ્ટ છે કે બજેટ આશાઓ પર ખરું ઉતરતું નથી. બજેટ સંપૂર્ણપણે નીરસ અને નિરાશાજનક હતું.”

રાહુલ ગાંધીએની પ્રતિક્રિયા:

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર એક પોસ્ટ લખીને કહ્યું, “યુવાનોને નોકરી નથી મળી રહી, મેન્યુફેક્ચરિંગમાં ઘટાડો થઇ રહ્યો છે, રોકાણકારો મૂડી પાછી ખેંચી રહ્યા છે. ઘરગથ્થુ બચત ઘટી રહી છે. ખેડૂતો મુશ્કેલીમાં છે. વૈશ્વિક સમસ્યા વધી રહી છે, બજેટમાં આ બધું અવગણવામાં આવ્યું છે..

રાહુલ ગાંધીએ કહ્યું, “આ એક એવું બજેટ જે ભારતના વાસ્તવિક પ્રશ્નોને અવગણે છે.”

ખડગે અને થરૂરનો પ્રતિક્રિયા:

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે “મોદી સરકાર પાસે વિચારો ખતમ થઈ ગયા છે, આ બજેટ ભારતના આર્થિક, સામાજિક અને રાજકીય પડકારોનો ઉકેલ આપતું નથી.”

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે બજેટમાં મિડલક્લાસ અને લોઅર મિડલ ક્લાસને ખુબજ ઓછી રહાત આપે છે. ભાષણમાંથી કેરળનો ઉલ્લેખ ન હોવા અંગે તેમણે નારાજગી વ્યક્ત કરી.

અખિલેશ યાદવે કટાક્ષ કરી:

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું, “આ બજેટ સમજની બહાર છે, જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો આપણે લોખંડ પર પિત્તળ ચઢાવીને ઘરેણાં બનાવવા પડશે. શિક્ષણ અને આરોગ્ય જેવા મૂળભૂત મુદ્દાઓને અવગણવામાં આવ્યા છે. આપણે ખરેખર વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા હોઈએ, તો આપણે શિક્ષણ ક્ષેત્ર માટે ઘણું વધારે બજેટ ફાળવવું જોઈએ.”

મમતાના સરકાર પર આરોપ:

તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર બંગાળની અવગણનાનો આરોપ લગાવ્યો.

મમતાએ કહ્યું, “બંગાળને એક પણ પૈસો પણ આપવામાં આવ્યો નથી. તેઓ અમારા નાણા છીનવી રહ્યા છે. તેઓ બંગાળ પાસેથી જે મળવી રહ્યા છે, તેની સામે કઇ આપી રહ્યા નથી. અમને કેન્દ્ર સરકાર પાસેથી લગભગ બે લાખ કરોડથી વધુ મળવા જોઈએ. તેઓ દેશના આર્થિક માળખાને, આ દેશના બંધારણીય માળખાને નષ્ટ કરવા ઈચ્છે છે.”

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button