માલદિવ્સમાં ભારતીય સૈનિકોને લઇને મુઇજ્જુના જૂઠથી ભડક્યા વિપક્ષી નેતા

માલદિવ્સમાં વિપક્ષ ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ માટે સતત મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. વિપક્ષના નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન અબદુલ્લા શાહિદે કહ્યું છે કે માલદિવ્સમાં હજારો ભારતીય સૈનિકોની હાજરી હોવાનો રાષ્ટ્રપતિ મુઇઝુનો દાવો ખોટો છે. માલદિવ્સની સરકાર ભારતીય સૈનિકોના સાચા આંકડા રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.
માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીના નવા ચૂંટાયેલા પ્રમુખ અબ્દુલ્લા શાહિદે સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મુઇઝુના100 દિવસના શાસનમાં સ્પષ્ટ થઈ ગયું છે કે રાષ્ટ્રપતિ મુઇઝુનો ‘હજારો ભારતીય સૈનિકો’નો દાવો જુઠ્ઠો હતો. ભારતીય સૈનિકોની ચોક્કસ સંખ્યા જણાવવામાં મુઇઝુ સરકારની અસમર્થતા ઘણું કહી જાય છે. દેશમાં કોઈ સશસ્ત્ર વિદેશી સૈનિકો પણ તૈનાત નથી. પારદર્શિતાની બાબતો મહત્વની છે અને સત્ય બહાર આવવું જોઈએ.
નોંધનીય છે કે મોહમ્મદ મુઈઝુ ગયા વર્ષે નવેમ્બરમાં માલદીવ્સના રાષ્ટ્રપતિ બન્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન, તેમણે માલદીવ્સમાં હાજર ભારતીય સૈનિકોને પાછા ખેંચવાનો મુદ્દો મુખ્ય રીતે ઉઠાવ્યો હતો અને લોકોને વચન આપ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે, તો તેઓ ભારતીય સૈનિકોને પાછા મોકલશે. હાલમાં ડોર્નિયર 228 મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને બે HAL ધ્રુવ હેલિકોપ્ટર સાથે લગભગ 70 ભારતીય સૈનિકો માલદીવમાં તૈનાત છે.
રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાના બીજા જ દિવસે મુઇઝુએ ભારત સરકારને દેશમાંથી તેના સૈનિકો પાછા ખેંચવા માટે ઔપચારિક રીતે વિનંતી કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મુઈઝુએ જાહેરાત કરી હતી કે માલદીવ્સમાંથી ભારતીય સૈનિકો પાછા ખેંચવા અંગે ભારત સરકાર સાથે સમજૂતી થઈ ગઈ છે. આ મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ મુઈઝુએ કહ્યું હતું કે ભારતીય સૈનિકો ટૂંક સમયમાં ભારત પાછા જવાના છે.
રાષ્ટ્રપતિ તરીકે સંસદમાં પોતાના પ્રથમ સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, ‘અમે સત્તાવાર રીતે ભારતને માલદીવ્સમાંથી સૈનિકો હટાવવાની વિનંતી કરી છે. સૈનિકો પાછી ખેંચવા અંગે તાજેતરની વાતચીત થઈ છે જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે ત્રણ હવાઈ પ્લેટફોર્મ પર હાજર ભારતીય સૈનિકો 10 માર્ચ, 2024 સુધીમાં માલદીવમાંથી પાછા હટી જશે. બાકીના સૈનિકો 10 મે, 2024 સુધીમાં પરત ફરશે.