નવી દિલ્હી: 2024ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોત પોતાની રીતે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રણનિતી ઘડી રહ્યા છે. ભાજપાની રણનિતીના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જનતાની વાત સાંભળી રહ્યા છે. નમો એપ પર જનમન સર્વે દ્વારા પીએમ જનતાને તેમની સરકાર અને સાંસદોના કામકાજનો રિપોર્ટ માંગી રહ્યા છે. આ સર્વે એટલા માટે ખાસ છે કારણકે વડા પ્રધાન મોદી લોકો પાસેથી સીધો અભિપ્રાય માંગી રહ્યા છે.
2024ની લોકસભા ચૂંટણીમાં હવો થોડોક જ સમય બાકી છે. ત્યારે આ સર્વે દ્વારા પીએમ તેમની સરકારની તમામ યોજનાઓ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવેલા તેમના કામ અને સાંસદોની સમીક્ષા કરવા માંગે છે, જેથી ચૂંટણી વચનો અને સાંસદોને જનતાની ઈચ્છા મુજબ રજૂ કરી શકાય. નમો એપ પીએમ માટે વિવિધ મુદ્દાઓ પર લોકોના અભિપ્રાય એકત્રિત કરવા માટે ખૂબ જ અસરકારક માધ્યમ સાબિત થઈ છે. અગાઉ પણ પીએમ આ એપ દ્વારા લોકો પાસેથી અભિપ્રાય માંગી ચૂક્યા છે.
નમો એપ પર જનમન સર્વેમાં કુલ 13 પ્રશ્નો છે જેમાં મોદી સરકારની કામગીરી અંગે પૂછવામાં આવે છે. બીજું ભારતનું ભવિષ્ય કેવું હશે તે વિશે પૂછવામાં આવે છે. ત્રીજું વિશ્વમાં ભારતની વધતી જતી નામના અંગે પ્રશ્ર્ન છે તો ચોથા પ્રશ્નમાં લોકોને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર, રોજગાર, ખેડૂત સમૃદ્ધિ, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, રાષ્ટ્રીય સુરક્ષા, અર્થવ્યવસ્થા, મહિલા સશક્તિકરણ, ડિજિટલ ઈન્ડિયા, સ્વચ્છ ભારત, કાયદાના ક્ષેત્રોમાં મોદી સરકારની કામગીરીનું મૂલ્યાંકન કરવાનું કહેવામાં આવ્યું છે. અને વ્યવસ્થા અને શહેરી વિકાસ. તમે તેનાથી કેટલા સંતુષ્ટ છો? તેનો જવાબ માંગવામાં આવે છે.
પાંચમા પ્રશ્ન તરીકે કેન્દ્ર સરકારની કઈ યોજનાઓનો લોકોને વ્યક્તિગત લાભ મળ્યો છે તેની માહિતી માંગવામાં આવી છે . જેમાં પીએમ ગરીબ કલ્યાણ યોજના, સ્વચ્છ ભારત મિશન, આયુષ્માન ભારત યોજના, આવકવેરા સ્લેબ, વંદે ભારત, મેટ્રો અને નમો ભારત ટ્રેન, જન ઔષધિ કેન્દ્ર, પીએમ જન ધન યોજના, ડિજિટલ ઈન્ડિયા, જલ જીવન મિશન, પીએમ આવાસ યોજના, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ઉજ્જવલા યોજના, બેટી બચાવો-બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના, મુદ્રા યોજના, પોષણ અભિયાન, સ્ટેન્ડઅપ ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયાનો સમાવેશ થાય છે.
ત્યારે છઠ્ઠો પ્રશ્ન મતવિસ્તારમાં સાંસદની હાજરી વિશે છે કે શું સાંસદ તમારા વિસ્તારમાં મુલાકાતે આવે છે અને તમારા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવે છે કે નહિ. સાતમા પ્રશ્નમાં તરીકે એ પૂછવામાં આવ્યું છે કે સાંસદ આ વિસ્તારમાં થઈ રહેલા કામોથી વાકેફ છે કે નહીં. શું લોકો તેમના સાંસદના કામથી સંતુષ્ટ છે? નવમો પ્રશ્ન સાંસદની લોકપ્રિયતાને લઈને પૂછવામાં આવ્યો છે. આ સાથે મતવિસ્તારના ત્રણ લોકપ્રિય નેતાઓના નામ પણ પૂછવામાં આવ્યા છે.
દસમો પ્રશ્ન મતવિસ્તારમાં રસ્તા, વીજળી, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ અને રાશનને લઈને પૂછવામાં આવ્યો છે. 11મા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે લોકસભા ચૂંટણીમાં કયા મુદ્દા મહત્વના છે. ઉદાહરણ તરીકે, મતદાન કરતી વખતે લોકો ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક વ્યવસ્થાપન અને મોંઘવારી, સાંસ્કૃતિક મુદ્દાઓ, કલ્યાણકારી યોજનાઓ, રોજગાર સર્જન, નાગરિક સમસ્યાઓ, વડા પ્રધાન પદના ઉમેદવારો, રાજકીય પક્ષો અને રાષ્ટ્રવાદ જેવા મુદ્દાઓ વિશે જણાવી શે છે. આ ઉપરાંત છેલ્લે પૂછવામાં આવ્યું છે કે શું લોકો 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને વોટ આપવા માગે છે.
Taboola Feed