નેશનલ

વિધાનસભાની પેટાચૂંટણી: વિપક્ષોની યુતિએ દસ, ભાજપે બે અને અપક્ષે એક બેઠક જીતી

નવી દિલ્હી: સાત રાજ્યોની 13 બેઠકો પર આ સપ્તાહની શરૂઆતમાં યોજાયેલી પેટાચૂંટણી માટે શનિવારે મતોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે વિપક્ષી ઈન્ડી ગઠબંધને 10 વિધાનસભા બેઠકો જીતીને ભાજપને મોટો ફટકો આપ્યો હતો. ભાજપને ફક્ત બે અને એક બેઠક પર અપક્ષને વિજય મળ્યો હતો.

ગયા બુધવારે પશ્ર્ચિમ બંગાળમાં ચાર, હિમાચલ પ્રદેશમાં ત્રણ, ઉત્તરાખંડમાં બે અને પંજાબ, મધ્ય પ્રદેશ, બિહાર અને તમિલનાડુની એક-એક બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસ, ટીએમસી, આપ અને ડીએમકે ઈન્ડી ગઠબંધનના પેટાચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખનારા પક્ષો છે.

પંજાબમાં સત્તાધારી આમ આદમી પાર્ટી (આપ)ના મોહિન્દર ભગતે તેમના નજીકના હરીફ અને ભાજપના ઉમેદવાર શીતલ અંગુરાલને 37,325 મતોના માર્જિનથી હરાવીને જલંધર પશ્ર્ચિમની બેઠક પર વિજય મેળવ્યો હતો, એમ ચૂંટણી પંચ (ઈસી)એ જણાવ્યું હતું.

આપ વિધાનસભ્ય તરીકે અંગુરાલે રાજીનામું આપી દીધું હતું અને માર્ચમાં તેઓ ભાજપમાં જોડાયા પછી આ સીટ ખાલી પડી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે સીટ પર મોટી લીડ સાથેની જીત દર્શાવે છે કે રાજ્યના લોકો તેમની સરકારના કામથી ‘ખૂબ જ ખુશ’ છે.

આ પણ વાંચો: રૂપોલી વિધાનસભા પેટાચૂંટણીઃ નીતીશની નાવ કેમ ડૂબી, સુશાંત સિંહ રાજપૂત ફેક્ટર કે ચિરાગ પાસવાને રમત બગાડી?

તમિલનાડુમાં વિકરાવંડી વિધાનસભા મતવિસ્તારમાં શાસક દ્રવિડ મુનેત્ર કઝગમના (ડીએમકે)ના અન્નીયુર સિવા વિજયી થયા હતા. તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી – એનડીએ ઘટક પટ્ટલી મક્કલ કચ્છીના અંબુમણી સી – ને 67,757 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

પશ્ચિમ બંગાળની ચાર બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના ઉમેદવાર કૃષ્ણા કલ્યાણીએ રાયગંજ વિધાનસભા બેઠક પર ભાજપના માનસ કુમાર ઘોષને 50,077 મતોના માર્જિનથી હરાવ્યા અને રાણાઘાટ દક્ષિણમાં મુકુટ નામી અધિકારીએ ભાજપના મનોજ કુમાર બિસ્વાસને 74,485 મતોથી હરાવ્યા. ટીએમસીના મધુપર્ણા ઠાકુરે બાગડામાં ભાજપના બિનય કુમાર બિસ્વાસને 74,251 મતોથી હરાવ્યા હતા અને સુપ્તિ પાંડેએ ભાજપના કલ્યાણ ચૌબેને 62,312 મતોથી હરાવ્યા હતા.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની પત્ની અને કોંગ્રેસના ઉમેદવાર કમલેશ ઠાકુરે દહેરા વિધાનસભા બેઠક પર ભાજપના હોશિયાર સિંહને 9,399 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

નાલાગઢમાં કોંગ્રેસના હરદીપ સિંહ બાવાએ ભાજપના કે. એલ. ઠાકુર સામે 25,618 મતોથી જીત મેળવી હતી.
હમીરપુર સીટ પર ભાજપના ઉમેદવાર આશિષ શર્માને 27,041 મત મળતાં તેમનો વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસના પુષ્પિન્દર વર્માને 25,470 મત મળ્યા હતા.

આ પણ વાંચો: Bypolls Result: 13 વિધાનસભા બેઠક પેટાચૂંટણી પરિણામમાં NDA ને આંચકો, ટીએમસીએ ત્રણ અને કોંગ્રેસે બે બેઠક જીતી

ઉત્તરાખંડમાં બદ્રીનાથ અને મેંગલોર પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો લખપત સિંહ બુટોલા અને કાઝી મોહમ્મદ નિઝામુદ્દીન જીત્યા હતા.

બુટોલાએ ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના વિધાનસભ્ય રાજેન્દ્ર સિંહ ભંડારીને 5,224 મતોથી હરાવીને બદ્રીનાથ બેઠક જીતી હતી, જ્યારે નિઝામુદ્દીને ભાજપના કરતાર સિંહ ભડાનાને 422 મતોના પાતળા માર્જિનથી હરાવ્યા હતા.

મધ્ય પ્રદેશમાં ભાજપના કમલેશ પ્રતાપ શાહે અમરવારા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધીરન સાહ ઇન્વતી સામે 3,027 મતોના માર્જિનથી જીત મેળવી હતી, જ્યારે બિહારમાં અપક્ષ ઉમેદવાર શંકર સિંહે રૂપૌલી બેઠક જીતી હતી. તેમના નજીકના હરીફ જેડી(યુ) ના ઉમેદવાર કલાધર પ્રસાદ મંડલને 8,246 મતોના માર્જિનથી હરાવ્યા હતા, એમ ચૂંટણી પંચના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button