ભારતીય સેનાએ કહ્યું, પાકિસ્તાનના એરબેઝ અને હથિયાર ભંડારને તબાહ કર્યા

નવી દિલ્હી : ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં શુક્રવારે રાત્રે પાકિસ્તાને ભારતના 26 શહેરો પર ડ્રોન હુમલા કર્યા હતા. જેને ભારતીય સેનાએ નાકામ બનાવ્યા હતા. જ્યારે ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપતા દેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે પાકિસ્તાન સંઘર્ષને ઉશ્કેરવાનો અને વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત પાકિસ્તાનની કાર્યવાહીનો જવાબ આપી રહ્યું છે.
પાકિસ્તાનના હથિયાર ભંડાર અને એરબેઝ તબાહ કર્યા
આ કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને સમગ્ર પશ્ચિમી સરહદ પર લડાકુ વિમાનો, લાંબા અંતરના દારૂગોળા અને ડ્રોનથી હુમલો કર્યો. પાકિસ્તાને 26 થી વધુ સ્થળોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. જેમાંથી મોટાભાગના પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે. પાકિસ્તાને પંજાબના વાયુસેના મથકને નિશાન બનાવવા માટે સવારે 1:40 વાગ્યે હાઇ-સ્પીડ મિસાઇલોનો ઉપયોગ કર્યો. તેમણે આરોગ્ય સુવિધાઓ અને શાળાઓ પર પણ હુમલો કર્યો.
પાકિસ્તાન દ્વારા નાગરિક લક્ષ્યો પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને લશ્કરી પોસ્ટને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યા બાદ ભારતે પાકિસ્તાનના હથિયાર ભંડાર અને એરબેઝને નિશાન બનાવીને તબાહ કર્યા હતા.
પાકિસ્તાનનો ઈરાદો સંઘર્ષ ઉશ્કેરવાનો
પાકિસ્તાને નાગરિક વિમાનની આડમાં હુમલો કર્યો. આવી સ્થિતિમાં, ભારતે નાગરિક સલામતી સુનિશ્ચિત કરતી વખતે ચોકસાઈ સાથે પગલાં લીધાં. પાકિસ્તાને ભારતીય લશ્કરી સ્થાપનોનો નાશ કરવાના ખોટા દાવા ફેલાવ્યા. કુપવાડા, બારામુલ્લા, રાજૌરી અને પૂંછમાં તોપો અને મોર્ટારથી ભારે ગોળીબાર થયો અને ભારતે પણ વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાની સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું. પાકિસ્તાનનો ઈરાદો સંઘર્ષ ઉશ્કેરવાનો છે. ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણપણે તૈયાર છે. ભારતીય સશસ્ત્ર દળો સંઘર્ષ વધારવા માંગતા નથી, પરંતુ આ પાકિસ્તાનનો ઈરાદો છે.
પાકિસ્તાન ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે
જ્યારે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું, એક ઝડપી અને સંકલિત એકશનમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના લશ્કરી લક્ષ્યો પર જ સચોટ હુમલો કર્યો હતો. પાકિસ્તાને ભારતીય S-400 સિસ્ટમનો નાશ કરવાના, સુરત અને સિરસા ખાતેના એરફિલ્ડનો નાશ કરવાના દાવાઓ સાથે ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. ભારત પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા ખોટા દાવાઓને નકાર્યા છે.
આ પણ વાંચો…પાકિસ્તાનને મોટો આંચકો, G-7 દેશોએ પહલગામ આતંકી હુમલાની નિંદા કરી