નેશનલ

પાકિસ્તાન ઉઘાડું પડ્યું: પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના સચિવે પાકિસ્તાનને અરીસો બતાવ્યો…

નવી દિલ્હી: સીમા પારથી આવેલા આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં કરેલા હુમલાનો બદલો લેવા ભારતીય સેના ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) ચલાવી રહી છે. આ ઓપરેશનમાં પાકિસ્તાનને ભારે નુકશાન પહોંચ્યું છે, છતાં પાકિસ્તાન તરફથી ભારત સામે કાર્યવાહી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવામાં આજે વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતે માહિતી આપી છે.

આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશીએ ઓપરેશન સિંદૂરના બે દિવસના અત્યાર સુધીના તમામ અપડેટ્સ શેર કર્યા. આ સાથે ભારતના વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિશ્રીએ પાકિસ્તાનને ફટકાર લગાવી હતી.

કર્નલ સોફિયા કુરેશીએ શું કહ્યું?
પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે ભારતના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા નથી. ભારતના કોઈપણ લશ્કરી મથક પરના હુમલાનો જવાબ આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે 7 અને 8 મેની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઘણા લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાઓને ઇન્ટીગ્રેટેડ કાઉન્ટર ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા, જેનો કાટમાળ ઘણી જગ્યાએથી મળી આવ્યો હતો, જે પાકિસ્તાની હુમલાનો પુરાવો છે.

તેમણે કહ્યું કે આજે સવારે ભારતીય સેનાએ અનેક સ્થળોએ પાકિસ્તાનના એર ડિફેન્સ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. ભારતે સમાન ક્ષેત્રમાં અને સમાન તીવ્રતા સાથે પ્રતિભાવ આપ્યો હતો. વિશ્વસનીય રીતે જાણવા મળ્યું છે કે લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો છે.

વિદેશ મંત્રાલએ શું કહ્યું?
ભારતના વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિશ્રીએ ઓપરેશન સિંદૂર વિશે જણાવ્યું હતું કે, “આ ઘટનાક્રમ 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલાથી શરૂ થયો. ભારતે ગઈકાલે તેની કાર્યવાહીથી તેનો જવાબ આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે પહેલગામ હુમલા પર પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કરવાનો મામલો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચર્ચામાં હતો, ત્યારે અનુમાન કરો કે કયા દેશે TRF ના ઉલ્લેખનો વિરોધ કર્યો હતો. TRF એ જ સંગઠન હતું જેણે પહેલગામ હુમલાની જવાબદારી એક વાર નહીં પણ બે વાર લીધી હતી. જ્યારે તેના આકાને લાગ્યું કે મામલો ગરમાઈ રહ્યો છે, ત્યારે તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું.”
તેમણે કહ્યું કે ભારતે આપેલો જવાન સંપૂર્ણપણે સંયમિત છે. અમે આ મામલો વધારવા માંગતા નથી. બધા લક્ષ્યોને ખૂબ જ પસંદગીપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતાં.

પાકિસ્તાનને ફટકાર લગાવી:
વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાન પહેલગામ પર તપાસ સમિતિની વાત કરે છે, પરંતુ તેનો ટ્રેક રેકોર્ડ તેના ઇરાદાઓને છતું કરે છે. મુંબઈ અને પઠાણકોટ હુમલા સહિત અનેક આતંકવાદી હુમલાઓમાં ભારતે પાકિસ્તાનને ઘણા પુરાવા આપ્યા છે. તેમના માસ્ટરમાઇન્ડને ન્યાયના કઠેડામાં લાવવાની વાત થઈ હતી, પરંતુ પાકિસ્તાને ક્યારેય કોઈ કાર્યવાહી કરી નહીં.

વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે પાકિસ્તાનના કોઈપણ શહેરી વિસ્તારને નિશાન બનાવ્યો નથી. ઓપરેશન સિંદૂર હેઠળ, ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને નાશ કરવામાં આવ્યા છે. જ્યારે, પાકિસ્તાને બીજા દિવસે રાત્રિના સમયે ભારતના ઘણા શહેરી વિસ્તારોને નિશાન બનાવ્યા છે.

આપણ વાંચો : ઓપરેશન સિંદૂર અંગે ખોટા દાવા કરતા ચીનના ન્યુઝ આઉટલેટને ભારતે ફટકાર લગાવી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button