નેશનલ

‘ઓપરેશન સિંદૂર’નો બદલો લેવા પાકિસ્તાનના ‘નાપાક’ પ્રયાસ, સેનાએ મેલી મુરાદનો કર્યો પર્દાફાશ…

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવની સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે ભારતે આતંકી ઠેકાણાઓ પર કરેલા હુમલા બાદ પાકિસ્તાને 7 અને 8 મેની રાત્રે ઉત્તરી અને પશ્ચિમી ભારતમાં સેનાના કેટલાક ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

LoC પર પાકિસ્તાને હુમલાની તીવ્રતા વધારી
તે ઉપરાંત કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે આજે સવારે ભારતીય સેનાએ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ અને રડાર સિસ્ટમને નિશાન બનાવીને કાર્યવાહી કરી હતી, જેમાં લાહોરમાં પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. બીજી તરફ, સેનાએ એ પણ માહિતી આપી છે કે પાકિસ્તાન દ્વારા નિયંત્રણ રેખા (LoC) પર આડેધડ મોર્ટાર અને આર્ટિલરીથી ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, જેમાં 16 લોકોના મૃત્યુ થયા છે અને ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે.

કયા સ્થળો પર કર્યો હુમલાનો નિષ્ફળ પ્રયાસ
કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ કોન્ફરન્સમાં વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાને અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, બઠિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ જેવા સ્થળો પર ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો.

સેનાએ નથી બનાવ્યા સૈન્ય અથવા નાગરિક ઠેકાણાને નિશાન
કર્નલ સોફિયાએ વધુમાં જણાવ્યું કે ભારતે અગાઉ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાનના કોઈ પણ સૈન્ય અથવા નાગરિક ઠેકાણાને નિશાન બનાવ્યા નથી, પરંતુ માત્ર આતંકી ઠેકાણાઓ પર જ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button