
વોશિંગ્ટન ડીસી/નવી દિલ્હી: પહલગામ હુમલા બાદ ભારતે મે 2025માં પાકિસ્તાન વિરૂદ્ધ ‘ઑપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. ‘ઑપરેશન સિંદૂર’ને પગલે ભારતે પાકિસ્તાનને 5 દિવસ સુધી બરોબરનું હંફાવ્યું હતું. ભારતે પાકિસ્તાનના અનેક હથિયારોને જમીનદોસ્ત કરી દીધા હતા. જોકે, પાંચમાં દિવસે ભારતે ‘ઑપરેશન સિંદૂર’ને સ્થગિત કર્યું હતું. ‘ઑપરેશન સિંદૂર’સ્થગિત થયાના 7 મહિના બાદ એક ચોંકાવનારી વાત સામે આવી છે. આ ચોંકાવનારી વાત શું છે, આવો જાણીએ.
‘ઑપરેશન સિંદૂર’થી ચીનને થયો લાભ
તાજેતરમાં એક અમેરિકન કૉંગ્રેસની એક સમિતિએ, યુએસ-ચાઇના ઇકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યુ કમિશને એક અહેવાલ જાહેર કર્યો છે. જેમાં સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીને મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ટૂંકા યુદ્ધનો ઉપયોગ તેના નવા લશ્કરી હથિયારોના પરીક્ષણ અને પ્રમોશન માટે કર્યો હતો.

અહેવાલમાં જણાવાયું છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ચીન સીધી રીતે સામેલ થયું ન હતું. પરંતુ તેણે ચાર દિવસ ચાલેલા યુદ્ધનો ઉપયોગ પોતાના લશ્કરી હથિયારોના પરીક્ષણ માટે કર્યો હતો. પાકિસ્તાને પહેલીવાર ચીનના HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ, PL-15 એર-ટુ-એર મિસાઇલ અને J-10 ફાઇટર જેટ—નો યુદ્ધમાં ઉપયોગ કર્યો હતો. જેનાથી ચીનને તેના લશ્કરી હથિયારોની ક્ષમતા અંગેનો રિયલ ડેટા મળ્યો હતો. જેનો ઉપયોગ ચીને પોતાના આ હથિયારોના વેચાણના પ્રચાર માટે કર્યો છે.
ચીને મૂક્યો હથિયારો વેચવાનો પ્રસ્તાવ
‘ઑપરેશન સિંદૂર’ સ્થગિત થયા પછી તરત જ ચીને તેના હથિયારોની સફળતાનો જોરદાર પ્રચાર કર્યો. આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, જૂન 2025માં, ચીને પાકિસ્તાનને 40 J-35 પાંચમી પેઢીના ફાઇટર જેટ, KJ-500 એરક્રાફ્ટ અને બેલિસ્ટિક મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ચીની રાજદૂતોએ જાહેરમાં દાવો કર્યો હતો કે ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ચીની હથિયારોએ સારું પ્રદર્શન કર્યું હતું, જેનો હેતુ વૈશ્વિક સ્તરે તેના હથિયારોનું વેચાણ વધારવાનો હતો.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: ‘ઑપરેશન સિંદૂર’ મુદ્દે રાજકારણ બંધ થવું જોઈએ



