'ઓપરેશન સિંધુ' સફળ: આજે ઈરાનમાંથી 1000 ભારતીય સ્વદેશ પરત ફરશે | મુંબઈ સમાચાર

‘ઓપરેશન સિંધુ’ સફળ: આજે ઈરાનમાંથી 1000 ભારતીય સ્વદેશ પરત ફરશે

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ બંને દેશો એક બીજા પર મિસાઈલ હુમલા કરી રહ્યા છે. ભીષણ યુદ્ધ વચ્ચે સ્થાનિક નાગરિકોની સુરક્ષા જોખમાય છે. ઈરાને યુદ્ધને કારણે પોતાનું એરસ્પેસ બંધ કર્યું હતું, પરંતુ ભારતીય નાગરિકોની સુરક્ષા માટે તેણે એરસ્પેસ ખોલ્યું હતું. આજે રાત્રે 1,000 ભારતીય ઈરાનથી દિલ્હી પરત ફરશે. ભારત સરકારે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કરીને ફસાયેલા નાગરિકોને પરત લાવવાનું શરૂ કર્યું છે.

‘ઓપરેશન સિંધુ’ સફળ!

ઈરાને ભારતીય નાગરિકોની સ્વદેશ વાપસી માટે મશહદથી દિલ્હી સુધી ચાર્ટર્ડ ફ્લાઈટ્સની વ્યવસ્થા કરી છે. ઈરાનના વિમાનો દ્વારા આ નાગરિકોને સ્વદેશ પરત લાવવામાં આવશે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ઈરાન યુદ્ધના તણાવ વચ્ચે ભારતીયોની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. ભારતે બે દિવસ પહેલાં ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું, જે ઈઝરાયલના વધતા હુમલાઓને કારણે મધ્ય પૂર્વમાં વધેલા તણાવ વચ્ચે ભારતીયોને પરત લાવવા માટેનું અભિયાન છે.

ઈરાનની અપીલ

ઈરાને ભારતને ઈઝરાયલના હુમલાઓની નિંદા કરવા જણાવ્યું છે. ભારતમાં ઈરાની મિશનના ઉપપ્રમુખ મોહમ્મદ જાવેદ હુસૈનીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ઈરાને તાજેતરના હુમલાથી પોતાની સૈન્ય શક્તિ બતાવી, જેનાથી ઈઝરાયલ આશ્ચર્ય પામ્યુ છે. શાંતિ માટે ઈઝરાયલની નિંદા જરૂરી છે, નહીં તો હુમલાખોરોને પ્રોત્સાહન મળશે. તેમણે ઉમેર્યું કે આ સંઘર્ષ ભારત સહિત પડોશી દેશોના હિતમાં નથી.

આ પણ વાંચો -‏‏‎ ચીનના રહસ્યમય કાર્ગો પ્લેન ઈરાનમાં, હથિયારો હોવાની આશંકા!

ઈરાનનો અમેરિકા પર મનોવૈજ્ઞાનિક યુદ્ધનો દાવો

સૂત્રોની જાણકારી પ્રમાણે ઈરાને અમેરિકા પર મનોવૈજ્ઞાનિક યુદ્ધ શરૂ કરવાનો આરોપ લગાવ્યો છે. ઈરાને નામ લીધા વિના પાકિસ્તાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જો કોઈ ત્રીજો દેશ આ યુદ્ધમાં સામેલ થશે, તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. ઈરાને લાંબા સંઘર્ષ માટે તૈયાર હોવાનો પણ દાવો કર્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button