'ઓપરેશન મહાદેવ'માં મોહમ્મદ યુસુફ કટારીની ધરપકડઃ મોબાઈલ ચાર્જરે ખોલ્યું ગુનાનું રહસ્ય | મુંબઈ સમાચાર
નેશનલ

‘ઓપરેશન મહાદેવ’માં મોહમ્મદ યુસુફ કટારીની ધરપકડઃ મોબાઈલ ચાર્જરે ખોલ્યું ગુનાનું રહસ્ય

શ્રીનગર/નવી દિલ્હીઃ પહલગામમાં થયેલા હુમલાના ઘા આજ સુધી રૂઝાયા નથી. આ હુમલાને લઈ નવા નવા રહસ્યો ખુલતા રહે છે. આ હુમલાને લઈ તપાસનો ધમધામટ હાલ સુધી ચાલી રહ્યો છે. જ્યારે બીજી બાજુ આ મામલે પાડોશી દેશ સાથે અવારનવાર તરખાટ થતા રહે છે. આ વચ્ચે જમ્મુ-કશ્મીર પોલીસે એક એવા ઓવરગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરી છે, જે આતંકીઓના સંપર્કમાં હતો અને તેમને સહાય પૂરી પાડતો હતો. એક સામાન્ય મોબાઈલ ચાર્જર આ ગુનાહિત નેટવર્કને ખુલ્લુ પાડવામાં મુખ્ય પુરાવો બન્યું હતુ, જેણે સુરક્ષા એજન્સીને આ ષડયંત્રના મૂળ સુધી પહોંચવામાં મદદ કરી.

જમ્મુ-કશ્મીર પોલીસે 26 વર્ષીય મોહમ્મદ યુસુફ કટારી નામના શિક્ષકને પકડ્યો, જેણે પહેલગામ હુમલામાં સામેલ ત્રણ આતંકીઓ – સુલેમાન (ઉર્ફે આસિફ), જિબરાન અને હમઝા અફઘાની સાથે ચાર વખત મુલાકાત કરી હતી. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેણે આતંકીઓને એક એન્ડ્રોઈડ મોબાઈલ ચાર્જર સહિત રસદ સામગ્રી પૂરી પાડી હતી. આ ચાર્જર તપાસની મહત્વની કડી બન્યું હતું, જેના દ્વારા પોલીસ આ શિક્ષક સુધી પહોંચી શકી હતી.

આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવના જવાનોનું અમિત શાહે કર્યું સન્માન, પાકિસ્તાન પર કર્યા પ્રહાર

‘ઓપરેશન મહાદેવ’

જુલાઈમાં શરૂ થયેલા ‘ઓપરેશન મહાદેવ’ નામના આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન, શ્રીનગરની બહારના જબરવન પહાડીઓની તળેટીમાં ત્રણેય આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી મળેલી વસ્તુઓમાં એક અડધું બળેલું મોબાઈલ ચાર્જર મળી આવ્યું, જે તપાસનો મુખ્ય પુરાવો બન્યો હતો.

ફોરેન્સિક તપાસમાં ચાર્જરના સીરિયલ નંબર અને કનેક્ટિવિટી ડેટાથી પોલીસને મહત્વના સુરાગ મળ્યા. શ્રીનગર પોલીસે આ ચાર્જરની ટ્રેસિંગ કરી, જેના દ્વારા તેના મૂળ માલિક અને ડીલર સુધી પહોંચી, અને આખરે સપ્ટેમ્બરના અંતમાં મોહમ્મદ યુસુફ કટારીની ધરપકડ થઈ.

આ પણ વાંચો : પહલગામના હુમલાખોરોને ઓપરેશન મહાદેવ હેઠળ માર્યાં: અમિત શાહનો સંસદમાં જવાબ…

મોહમ્મદ યુસુફ કટારી ઉચ્ચ પહાડી વિસ્તારોમાં ખાનાબદોશ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કામ કરતો હતો, પરંતુ ગુપ્ત રીતે તે આતંકીઓને માર્ગદર્શન આપતો અને તેમના માટે સામગ્રી એકઠી કરતો હતો. તેણે આતંકીઓને મોબાઈલ ચાર્જર ઉપરાંત પહેલગામના હુમલાખોરોને પહાડી રસ્તાઓ પર મદદ પણ કરી હતી. તે સુલેમાન, જિબરાન અને હમઝા અફઘાની જેવા ખતરનાક આતંકીઓના સંપર્કમાં હતો.

સુલેમાન પહલગામ હુમલાનો મુખ્ય ષડયંત્રકર્તા હતો, જિબરાન ઓક્ટોબર 2024ના સોનમર્ગ સુરંગ હુમલામાં સામેલ હતો, અને હમઝા અફઘાની અનેક નાના આતંકી ઓપરેશનમાં સક્રિય હતો. આ ત્રણેયને 29 જુલાઈએ ઘર્ષણમાં ઠાર કરવામાં આવ્યા હતા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button