નવમા ધોરણ માટે ‘ઓપન બુક એસેસમેન્ટ’ને મંજૂરી: આગામી સત્રથી શરુઆત, ફાયદો શું થશે?

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ નવમા ધોરણ માટે ઓપન બુક અસેસમેન્ટ સ્ટ્રેટેજી (OBAS) ને મંજૂરી આપી છે, જે 2026-27ના શૈક્ષણિક સત્રથી શરૂ થશે.
આ પગલું શિક્ષણમાં ગોખણપટ્ટી કરવાને બદલે સ્કિલ-આધારિત શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ બનશે. આ નવી પદ્ધતિ વિદ્યાર્થીઓને ખ્યાલોને ઊંડાણથી સમજવામાં મદદ મળશે, જે શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવશે.
CBSEની ગવર્નિંગ બોડીએ 25 જૂન, 2025ની બેઠકમાં ઓપન બુક અસેસમેન્ટ સ્ટ્રેટેજીને મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવ બોર્ડની પાઠ્યક્રમ સમિતિ દ્વારા રજૂ કરાયો હતો, જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ઓફ સ્કૂલ એજ્યુકેશન (NCFSE) 2023 સાથે જોડાયેલો છે. આ નવી પદ્ધતિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની ગોખણપટ્ટીને બદલે વિદ્યાર્થીઓના જ્ઞાનને વધુ અસરકારક રીતે ઉપયોગમાં લેવાની ક્ષમતા વધારવાનો છે.
એક પાયલટ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓપન બુક અસેસમેન્ટ વિદ્યાર્થીઓના પ્રદર્શન સંબંધિત અનેક મુશ્કેલીઓ દૂર કરી શકે છે. આ પદ્ધતિ પરીક્ષાના દબાણને ઘટાડે છે અને વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપે છે. શિક્ષકોનું પણ માનવું છે કે આ પદ્ધતિ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરશે અને તેમને વધુ સર્જનાત્મક રીતે વિચારવા માટે પ્રેરશે.
ઓપન બુક અસેસમેન્ટ હેઠળ મુખ્ય વિષયોમાં દરેક સત્રમાં ત્રણ પેન-પેપર એક્સામમાં OBASનો સમાવેશ થશે. આનાથી વિદ્યાર્થીઓને પુસ્તકનો કે સંદર્ભ સામગ્રીનો ઉપયોગ કરવામાં અને તેમના જ્ઞાનને સંદર્ભસભર રીતે લાગુ કરવામાં મદદ મળશે. સ્ટાન્ડર્ડાઇઝ્ડ મોડેલ પેપર અને માર્ગદર્શન સાથે આ પદ્ધતિ વિદ્યાર્થીઓને વધુ સારી રીતે તૈયાર કરશે.
ઓપન-બુક પરીક્ષા એટલે શું?
NCFSE-2023ના નિયમ મુજબ ઓપન-બુક એક્ઝામ એક એવી પરીક્ષા છે, જેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નોનો જવાબ આપવા માટે જે-તે વિષયના પુસ્તકો, પોતાની નોટ્સ અને અન્ય સંશાધનોનો ઉપયોગ કરવાની મંજૂરી હોય છે. તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ માત્ર યાદ રાખેલી જ બાબતો ન લખે, પરંતુ જ્ઞાનને સમજૂતીને જુદા જુદી સ્થિતિઓમાં ઉપયોગ કરી શકે.
સરળ ભાષામાં કહીઓ તો એનસીએફએસઈનું કહેવું છે કે વિદ્યાર્થીઓએ ગોખણપટ્ટી કરીને શીખવાની આદત ટાળવી જોઈએ અને વાસ્તવિક જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ, જેથી તેઓ વિચારપૂર્વક પ્રશ્નોના જવાબ આપી શકે.
આ પણ વાંચો…વાલીઓને મળશે રાહત: CBSE સ્કુલમાં ક્લાસરૂમથી લઈને રમત-ગમત મેદાન સુધી કેમેરા ફરજિયાત…