મણિપુર હિંસા દરમિયાન લૂંટાયેલા હથિયારોમાંથી માત્ર 25 ટકા જ રિકવર થઇ શક્યા

મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યાના લગભગ છ મહિના થઇ ચુક્યા છે, હિંસા દરમિયાન ટોળાએ સેના અને પોલીસના હથિયારો લુંટી લીધા હતા. હવે રાજ્યમાં ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર હિંસાના દરમિયાન ચોરાયેલા હથિયારોના 25 ટકા હથિયારો જ રીકવર કરી શકી છે.
એક અખબારી અહેવાળ મુજબ આશરે 5,600 હથિયારોમાંથી લૂંટાયા હતા તેમાંથી આશરે 1,500 રિકવર કરવામાં આવ્યા છે, અને લગભગ 6.5 લાખ રાઉન્ડ ગોળીઓ લુંટાઈ હતી તેમાંથી લગભગ 20,000 અત્યાર સુધીમાં પોલીસે રિકવર કર્યા છે. મુખ્ય પ્રધાન બિરેન સિંહે ગેરકાયદેસર હથિયારો સાથે પકડાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની વારંવાર ધમકી આપી હોવા છતાં લોકો હથીયારો પરત કરી રહ્યા નથી.
લૂંટાયેલા લગભગ 80% હથિયારો ત્રણ જિલ્લાઓ ઇમ્ફાલ પૂર્વ, ચુરાચંદપુર અને બિષ્ણુપુરમાં સ્થિત પોલીસ સ્ટેશનો અને રાજ્યના શસ્ત્ર ગોદામોમાંથી ચોરાયા હતા.
લૂંટની ઘટનાઓ બાદ રાજ્ય સરકારે તમામ શસ્ત્રાગારોની સુરક્ષા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના કર્મચારીઓને નિયુક્ત કર્યા હતા. તંગ વિસ્તારોમાં સ્થિત શસ્ત્રાગારોમાં જ્યાં CRPF જવાનોની નિયુક્તિ કરવી શક્ય ન હતી, ત્યાંથી બીજી જગ્યા શસ્ત્રો સંપૂર્ણપણે ખસેડવામાં આવ્યા હતા.
મણિપુર હાઈકોર્ટના આદેશ બાદ મણિપુરમાં ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા 3 મેના રોજ ચુરાચંદપુરમાં બોલાવવામાં આવેલી વિરોધ રેલીમાં અથડામણ બાદ મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.