કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં ગુમ થયેલા એક જવાનનો મૃતદેહ મળ્યો, હજુ એકની શોધખોળ

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરમાં કોકરનાગમાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન સોમવારે ભારતીય સેનાના બે જવાનો ગુમ થયા હતાં. જેમાંથી એક જવાનનો મૃતદેહ ગઈ કાલે સાંજે મળી આવ્યો હતો. જવાનના મૃતદેહ સાથે તેનો સમાન અને હથિયારો પણ મળી આવ્યા છે, જ્યારે બીજો જવાન હજુ પણ ગુમ છે, જેને શોધવા કામગીરી કરવામાં આવી રહી છે.
અહેવાલ મુજબ આતંકવાદ વિરોધી કામગીરી માટે નીકળેલા અર્ધલશ્કરી દળના બે જવાનો હિમપ્રપાતને કારણે સોમવારે ગુમ થઇ ગયા હતાં, ત્યાર બાદ બંનેની શોધવા ઓપરેશન શરુ કરવામાં આવી હતી. ત્રણ દિવસ બાદ ગુરુવારે એક જવાનનો મૃત દેહ કોકરનાગના ગાડોલેના જંગલોમાંથી મળી આવ્યો હતો.
હાયપોથર્મિયાથી મોત:
અહેવાલ મુજબ બંને જવાનો 6 ઓક્ટોબરના રોજ આતંકવાદ વિરોધી અભિયાન માટે નીકળ્યા હતાં, અચાનક હવામાનની પરિસ્થિતિઓ બદલાતા બંને જવાનો ગુમ થઇ ગયા હતાં. અહેવાલ મુજબ હિમવર્ષા બાદ તાપમાનમાં તીવ્ર ઘટાડો થતા જવાનનું હાયપોથર્મિયાથી મૃત્યુ થયું હશે.
ગુરુવારે પણ પ્રદેશમાં હિમવર્ષા ચાલુ રહી હતી, જેને કારણે સેનાને સર્ચ ઓપરેશનમાં પડકારનો સમાનો કરવો પડ્યો હતો, પરંતુ એક જવાનનો મૃત દેહ મળી આવ્યો હતો. ગુમ થયેલા બીજા જવાનના જીવિત હોવાની શક્યતા ખુબ ઓછી છે.
હવામાને લીધો ભોગ:
તાજેતરમાં લદ્દાખના સિયાચીન બેઝ કેમ્પમાં થયેલા હિમપ્રપાતમાં બે અગ્નિવીર સહિત ત્રણ સૈન્ય જવાનોના મોત થયા થયા હતાં.
સોમવારે લદ્દાખના માઉન્ટ કુન પર સેનાની એક ટુકડી હિમપ્રપાતને કારણે ફસાઈ ગઈ હતી, જેમાં એક જવાનનું મોત થયું, અને ત્રણ જવાનો ગુમ છે, જેની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો…કાશ્મીરના અનંતનાગના જંગલોમાં બે કમાન્ડો ગુમઃ આર્મી અને એરફોર્સનું મેગા સર્ચ ઓપરેશન