નેશનલ

બહારનું ખાતા પહેલા ચેતજો: મોમોસ ખાવાથી થયું એક વ્યક્તિનું મોત; અનેક પડ્યા બીમાર

હૈદરાબાદ: હાલ તહેવારની સિઝનમાં લોકો બહારનું જ ખાતા પીતા હોય છે અથવા કામથી કે ફરવા બહાર ગયા હોય ત્યારે બહારનું ખાવું પડતું હોય છે. પરંતુ બહારનું ખાવાના શોખીનો માટે લાલબત્તી રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હૈદરાબાદમાં સડક પર આવેલી દુકાનમાં મોમોસ ખાવાથી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે આ ઉપરાંત 10 લોકો બીમાર પણ પડ્યા છે.

આ ઘટના તેલંગાણાની રાજધાની હૈદરાબાદની છે. કહેવામાં આવી રહ્યું છે કે મોમોસ ખાધા બાદ મહિલાની તબિયત લથડી હતી અને અંતે તેનું મોત થઈ ગયું. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતોએ ગયા અઠવાડિયે બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનની હદમાં એક જ વેપારી દ્વારા તૈયાર કરેલો મોમોસ ખાધા હતા. પરંતુ તે મોમોસ જુદાજુદા સ્થળે વેચાયા હતા.

આ મામલે મૃતક મહિલાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં નોંધાવ્યુ છે કે મોમોસ ખાધા બાદ મહિલા બીમાર પડી હતી અને બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે મહિલાના મૃતદેહને દફનાવી દેવામાં આવ્યો છે. તેમના મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવાનો બાકી છે.

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC)ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે કોર્પોરેશનના ફૂડ સેફ્ટી અધિકારીઓએ પોલીસની મદદથી શેરી વિક્રેતાની શોધખોળ કરી અને જાણવા મળ્યું કે તે લાઇસન્સ વિના કામ કરી રહ્યો હતો. અધિકારીઓએ ખાદ્ય પદાર્થોના નમૂનાઓને એકત્રિત કરીને ટેસ્ટિંગ માટે રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button