નવી દિલ્હીઃ ‘વન નેશન વન ઇલેક્શન’ બિલ અગાઉ 16 ડિસેમ્બર સોમવારના રોજ લોકસભામાં રજૂ થવાનું હતું, પરંતુ હવે આ બિલ તે દિવસે રજૂ કરવામાં આવશે નહીં. સોમવારે બિલ રજૂ કરવાની સંપૂર્ણ તૈયારીઓની વચ્ચે હવે આખર ટાણે સરકારે આ બિલને રજૂ ન કરવાનો નિર્ણય કર્યો છે. આ બિલનું નામ લોકસભાની સુધારેલી યાદીમાં સામેલ નથી આથી તે આવતીકાલે રજૂ નહિ થાય તેવા સ્પષ્ટ સંકેતો છે.
સોમવારે નહિ રજૂ કરે વન નેશન વન ઇલેક્શન
‘વન નેશન વન ઈલેક્શન’ને લઈને સરકાર હજુ પણ મૂંઝવણમાં હોય તેમ લાગી રહ્યું છે. આ બિલ 16 ડિસેમ્બરના રોજ સોમવારે લોકસભામાં રજૂ થવાનું હતું. બિલનું નામ 16મીએ રજૂ કરવાનાં બિલની યાદીમાં પણ શામેલ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ બિલ સોમવારે લોકસભામાં રજૂ થશે નહીં કારણ કે આ બિલને લોકસભાની સુધારેલી યાદીમાં સ્થાન નથી આપવામાં આવ્યું. નોંધનીય છે કે સરકારે આ બિલની નકલ સાંસદોને પણ મોકલી આપી છે કે જેથી તેઓ તેનો અભ્યાસ કરી શકે.
Also read: વન નેશન વન ઇલેક્શન’ કમિટીની આજે પ્રથમ બેઠક
શિયાળુ સત્રમાં ચર્ચાની આશા નહિવત
ઉલ્લેખનીય છે કે સંસદનું શિયાળુ સત્ર આગમી 20 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. હવે જો આ બિલને 16 ડિસેમ્બરે લોકસભામાં રજૂ કરવામાં નહીં આવે તો સરકાર શિયાળુ સત્રના માત્ર ચાર દિવસ જ બચશે. આવી સ્થિતિમાં આ બિલ પર શિયાળુ સત્રમાં જ ચર્ચા થાય તેવી શક્યતાઓ ઘણી ઓછી દેખાઈ રહી છે.
કેબિનેટે 12 ડિસેમ્બરે આપી મંજૂરી
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે 12 ડિસેમ્બરના રોજ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવા માટે બંધારણીય સુધારા બિલ વન નેશન વન ઈલેક્શનને મંજૂરી આપી હતી. કેબિનેટે બે કાયદાના મુસદ્દાને મંજૂરી આપી હતી, જેમાંથી એક લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણીઓ સાથે સંબંધિત બંધારણ સુધારો બિલ છે, જ્યારે અન્ય બિલ વિધાનસભા ધરાવતા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોની એક સાથે ચૂંટણીઓ સાથે સંબંધિત છે.