નવી દિલ્હી: આવતીકાલે લોકસભામાં વન નેશન વન ઇલેક્શન રજૂ થઈ શકે છે અને તે માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેના સાંસદોને લોકસભામાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જાહેર કર્યું છે. વ્હીપ જાહેર કરીને આવતીકાલે લોકસભામાં ‘વન નેશન વન ઇલેક્શન’ બિલ રજૂ કરવામાં આવી શકે છે તેવા સંકેતો આપી દીધા છે. પાર્ટીએ તેના તમામ સાંસદોને આવતીકાલે ગૃહમાં ફરજીયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ‘વન નેશન, વન ઈલેક્શન’ને લઈને એનડીએના તમામ સાથી પક્ષો સાથે ચર્ચા થઈ ચૂકી છે અને તમામ પક્ષો આ બિલની તરફેણમાં છે. લોકસભામાં મંગળવારનાં લોકસભાની સુધારેલી યાદી જાહેર થયા બાદ તમામ અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. આ બિલને ગયા શુક્રવારે લોકસભાની કાર્યસૂચિમાં શામેલ કરવામાં આવ્યું હતું અને તે જ દિવસે તમામ સાંસદોને બિલની કોપી પણ વહેંચવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં સરકારે સોમવારની કાર્યસૂચિમાંથી આ બિલને કાઢી નાખ્યું હતું.
ગઇકાલે જ સરકારે કર્યો હતો ફેરફાર
ઉલ્લેખનીય છે કે હાલમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. મોદી સરકાર આ સત્રમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ અથવા ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ બિલ પસાર કરવા માંગે છે. પહેલા આ બિલ 16 ડિસેમ્બર સોમવારના રોજ લોકસભામાં રજૂ થવાનું હતું, પરંતુ બાદમાં આ બિલનું નામ લોકસભાની સુધારેલી યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું. પીએમ મોદીની કેબિનેટે 12 ડિસેમ્બરે એક રાષ્ટ્રીય એક ચૂંટણી બિલને મંજૂરી આપી હતી. આ બિલમાં 2034 પછી એક સાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ છે. ઉપરાંત, સરકારે બિલનો ડ્રાફ્ટ લોકસભાના સભ્યોને મોકલી આપ્યો હતો.
ગત અઠવાડિયે જ કેબિનેટે આપી મંજૂરી
મીડિયા અહેવાલો અનુસાર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓના આયોજન માટે બંધારણ સંશોધન બિલ આવતીકાલે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સમાચાર એજન્સીના સૂત્રોનું માનીએ તો ખરડાને બંને ગૃહોની સંયુક્ત સમિતિને મોકલવામાં આવી શકે છે. વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટે ગયા અઠવાડિયે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.