નેશનલ

કોલકાતામાં એક લાખ લોકો આજે સામૂહિક રીતે ગીતા પાઠ કરશે, વડા પ્રધાને પાઠવ્યો ખાસ સંદેશ….

કોલકાતા: આજે કોલકાતાના પરેડ ગ્રાઉન્ડમાં એક લાખ લોકો સામૂહિક રીતે ગીતા પાઠ કરશે. આ ગીતા પઠન કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય સંસ્કૃત પરિષદ અને મતિલાલ ભારત તીર્થ સેવા મિશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં ભાગ લેવાના હતા પરંતુ હવે વડા પ્રધાન આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે તેમ નથી આથી તેમણે એક વિશેષ સંદેશ આપીને આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી.

વડા પ્રધાન મોદીએ તેમના સંદેશમાં લખ્યું હતું કે કોલકાતાના પરેડ ગ્રાઉન્ડ પર આયોજિત ‘લોક કંઠ ગીતા પાઠ’નો કાર્યક્રમ ખૂબ જ પ્રશંસનીય છે. આપણો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ, જ્ઞાન, તત્વજ્ઞાન-આધ્યાત્મિક બુદ્ધિ, સાંસ્કૃતિક વિવિધતા અને સંવાદિતાનું મિશ્રણ છે. શ્રીમદ ભાગવત ગીતા મહાભારતકાળથી લઈને આઝાદી સુધી અને અત્યારે પણ આપણને બધાને પ્રેરણા આપે છે. આ ઉપરાંત વડા પ્રધાને એમ પણ લખ્યું હતું કે ગીતા આપણને અર્થપૂર્ણ જીવન જીવવાની દિશા બતાવે છે અને જીવનના પડકારોનો સામનો કરવાનું શીખવે છે.

કોલકાતામાં યોજાનાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી 300થી વધુ સંતો કોલકાતા પહોંચ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોએ ઓનલાઈન અને ઓફલાઈન અરજીઓ કરી હતી. કાર્યક્રમના આયોજકોમાંના એક સ્વામી નિર્ગુણાનંદે જણાવ્યું હતું કે દરેક 5 હજાર લોકોના 20 બ્લોક બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ દ્વારા ગીનીઝ રેકોર્ડ બને તેવી શક્યતાઓ છે. ઈવેન્ટના આયોજકોએ જુલાઈમાં જ તેનું આયોજન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બંગાળના સીએમ મમતા બેનરજી, રાજ્યપાલ સીવી આનંદ બોઝ, કલકત્તા હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, સાંસદો અને ધારાસભ્યોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button