વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યૂચર’ના પડઘા અસરકારક રીતે પડ્યા: ગીતા ગોપીનાથ
IMFની પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર ગીતા ગોપીનાથે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું હતું કે ભારતના ‘વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યૂચર’ના સંદેશના પડઘા G-20ના તમામ દેશોના પ્રતિનિધિઓ વચ્ચે અસરકારક રીતે પડ્યા. આના પર પીએમ મોદીએ જવાબ આપતા કહ્યું કે આટલા ઉદાર શબ્દો માટે તમારો આભાર. G-20 શિખર સંમેલનની યજમાની કરવી એ સન્માનની વાત છે. અમારા પ્રયાસો સામૂહિક એકતા અને પ્રગતિની ભાવનાનું પ્રમાણ છે.
IMFના ગીતા ગોપીનાથ ભારતીય મૂળના છે. તેમણે શનિવારે સોશિયલ મીડિયા સાઇટ X પરની પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે G-20 શિખર સંમેલનની સફળ યજમાની બદલ ભારતના વડા પ્રધાનને અભિનંદન. જેના જવાબમાં પીએમ મોદીએ તેમનો આભાર માન્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વન ફ્યૂચર વિષય પર ચર્ચા બાદ G-20 શિખર સંમેલનના સમાપનની જાહેરાત કરી હતી. આ દરમિયાન પીએમ એ કહ્યું, “તમને સૌને ખ્યાલ છે એ મુજબ ભારત પાસે નવેમ્બર સુધી G-20ની અધ્યક્ષતાની જવાબદારી છે. હજુ અઢી મહિના બાકી છે. આ 2 દિવસોમાં તમે સૌએ અનેક બાબતો રજૂ કરી છે. સૂચનો આપ્યા છે. અમારી જવાબદારી છે કે અમે કઇ રીતે આ સૂચનો પર અમલ કરવો તે જોઇએ.. મારો પ્રસ્તાવ છે કે નવેમ્બરના અંતમાં G-20નું એક વર્ચ્યુઅલ સેશન યોજાય જેમાં આપણે આપણા વિષયોની સમીક્ષા કરી શકીએ. મારી ટીમ તમને આની માહિતી મોકલાવશે. હું આશા રાખું છું કે તમામ દેશો આમાં જોડાશે.”