આ તારીખે પૃથ્વીની સૌથી નજીક આવી જશે ગુરૂ ગ્રહ
નરી આંખે પણ જોઇ શકાશે અદ્ભૂત નજારો
દરેક વ્યક્તિને રાત્રિના સમયમાં પોતાના મકાનની છત/બાલ્કની પરથી તારાઓ ભરેલું આકાશ અને ચંદ્રમાની ચાંદનીના સુંદર નજારાનો આનંદ માણવો પ્રિય હોય છે. દૂરબીનની મદદથી આપણે પૃથ્વીની નજીકના અલગ અલગ ગ્રહો, તારાઓને નજીકથી જોઇ શકીએ છીએ. આગામી સમયમાં આપણને એક શાનદાર અવસર પ્રાપ્ત થવાનો છે જેમાં આપણે ગુરૂ ગ્રહના નજીકથી દર્શન કરી શકીશું.
એક રિપોર્ટ મુજબ, ગુરૂના ગ્રહની સ્થિતિ બદલાઇ છે, તે હવે આકાશમાં સૂર્ય ગ્રહની બરાબર વિપરિત દિશામાં છે. આ જ કારણ છે કે ગુરૂ ગ્રહને સૂર્યાસ્ત બાદ તરત જોઇ શકાશે. ગુરૂ ગ્રહ સામાન્યપણે દર 399 દિવસોમાં અથવા 13 મહિનાની અંદર સૂર્યની વિપરિત દિશામાં પહોંચી જાય છે. આ વર્ષે આ સ્થિતિ 3 નવેમ્બરે આવી રહી છે. તે દરમિયાન ગુરૂ ગ્રહ પૃથ્વીના સૌથી નજીકના પોઇન્ટ પર હશે. તે પહેલા કરતા પણ વધુ ચમકદાર દેખાશે.
ગુરૂ ગ્રહ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ગણાય છે. પૃથ્વીની સરખામણીમાં તેની ઘનતા 318 ગણી વધુ છે. તેની વધુ એક વિશેષતા એ પણ છે કે તેનું ભ્રમણ સૌથી ઝડપી છે. તે પોતાની ધરી પર 10 કલાકની અંદર 1 ચક્કર પુરું કરી લે છે.
આમ 3 નવેમ્બરે ગુરૂ ગ્રહ પૃથ્વીની અતિ નજીક હશે. નરી આંખે પણ તેને નજીકથી જોઇ શકાશે, પણ જો તમે દૂરબીન/ટેલિસ્કોપ વડે તેનો નજારો માણી શકો તો તેનાથી ઉત્તમ બીજુ કંઇ નહિ. ગુરૂ ગ્રહનો નજારો ભારતમાં સૌથી પહેલા દિલ્હીમાં દેખાશે, તે સાંજે 5-32 વાગ્યાથી દેખાવાનું શરૂ થશે અને બીજા દિવસે સવારે 6-35 વાગ્યા સુધી તેને જોઇ શકાશે.