નેશનલવેપાર

વૈશ્ર્વિક સોનાચાંદીમાં નફારૂપી વેચવાલી પાછળ સ્થાનિકમાં શુદ્ધ સોનું રૂ. ૯૭૪ અને ચાંદી રૂ. ૩૦૬૧ ગબડી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ઊંચા મથાળેથી રોકાણકારોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સોનાના ભાવમાં એક ટકાનો અને ચાંદીના ભાવમાં ૩.૭ ટકા જેટલો ઘટાડો આવ્યાના નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૩૦૬૧ના કડાકા સાથે રૂ. ૮૨,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા, જ્યારે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૭૦થી ૯૭૪નો ઘટાડો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાએ રૂ. ૬૯,૦૦૦ની સપાટી ગુમાવી હતી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના ભારે દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૦૬૧ના કડાકા સાથે રૂ. ૮૧,૮૦૧ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ રોકાણકારોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઘટતી બજારનાં માહોલમા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પણ ખપપૂરતી રહેતા ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૭૦ ઘટીને રૂ. ૬૭,૯૦૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૯૭૪ ઘટીને રૂ. ૬૮,૧૭૭ના મથાળે રહ્યા હતા.

આજે મોડી સાંજે અમેરિકાના બીજા ત્રિમાસિકગાળાના જીડીપીનાં ડેટાની જાહેરાત અને આવતીકાલે પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સની જાહેરાત થનાર છે અને આ ડેટાની ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં કપાતના નિર્ણય પર અસર થાય તેમ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોના-ચાંદીમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતા હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૭૨.૭૪ ડૉલર અને વાયદામાં ભાવ ૨.૧ ટકા તૂટીને ૨૩૬૬.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૩.૭ ટકા ગબડીને ઔંસદીઠ ૨૭.૯૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

હાલના તબક્કે સોના ભાવ અસરકર્તા કોઈ પરિબળો નથી આથી માત્ર નફારૂપી વેચવાલીના દબાણને કારણે જ ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું ઓએનડીએનાં એશિયા પેસિફિક વિભાગનાં વિશ્ર્લેષક કેલ્વિન વૉંગે જણાવતાં ઉમેર્યું હતું કે ટેક્નિકલ દૃષ્ટિએ જોતા ભાવ હજુ દબાણ હેઠળ આવે તેવી શક્યતા નકારી ન શકાય. જો પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચરનાં ડેટા ફુગાવો નીચો રહે તેવા સંકેતો આપશે તો ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ઉજળી બનશે અને સોનામાં સુધારો જોવા મળશે.
તાજેતરમાં રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણના પ્રતિસાદમાં આ વર્ષે વૈશ્ર્વિક સોનાના ભાવ ઊંચી સપાટીએ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button