સામ પિત્રોડાના નિવેદન પર તમિલનાડુનાં ભાજપ પ્રમુખે કહ્યું “આ માટે જ ભારતને કોંગ્રેસ મુક્ત થવાની આવશ્યકતા”

નવી દિલ્હી : તાજેતરમાં જ સંપતિની વહેંચણીને લઈને આપેલા નિવેદન બાદ વિવાદનું કેન્દ્ર રહેલા સામ પિત્રોડાફરીવાર પોતાના નિવેદનને લઈને વધુ નવા વિવાદના મધપૂડાને છંછેડ્યો છે. ઇંડિયન ઓવરસિજ કોંગ્રેસના (Indian Overseas Congress) પ્રમુખ સામ પિત્રોડાએ (Sam Pitroda) હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ભારતની વિવિધતાભરી પ્રકૃતિને લઈને આપેલા નિવેદનમાં દક્ષિણ ભારતના લોકોને આફ્રિકાના લોકો જેવા કહ્યા હતા. જેને લઈને વિવાદ ખડો થયો હતો.
સામ પિત્રોડાના આ નિવેદન બાદ સોશીયલ મીડિયામાં ભારે વિવાદ મચ્યો છે, ઘણા યુઝર્સે પિત્રોડાના નિવેદનની આકરી ટીકા કરી હતી. તમીલનાડુનાં ભાજપ પ્રમુખ અન્નામલાઈએ સામ પિત્રોડા પર નિશાન સાધ્યું હતું. તેને કહ્યું કે, “કોંગ્રેસના વિચારો દર્શાવે છે કે ભારતઅ આક્રમણકારીઓની ભૂમિ છે અને ભારતીય આક્રમણકારીઓનાં વંશજો છે. એટલે જ એમનું આ નિવેદન મૂર્ખતાપૂર્ણ અને અપમાનજનક છે. એનો અર્થ એ છે કે આપણે એ લોકોના વંશજો છીએ, ભારતીય નહિ.”
તેને કહ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટીના માલિક દેશની બહાર વસે છે. આ પાર્ટી જ આ હદ સુધી જઈ શકે કે જે ભારતીયોને આક્રમણકારોના વંશજ કહી શકે છે. આ માત્ર આપણને ખોટું લાગ્યું છે ત્યાં સુધી સીમિત નથી પરંતુ આ વાત કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. આ માટે જ ભારતને કોંગ્રેસ મુક્ત ભારતની આવશ્યકતા છે.
એક અખબારના ઇંટરવ્યૂ દરમિયાન તેમણે ભારતની વૈવિધત્તાભરી પ્રકૃતિ વિષે વાત કરતાં કહ્યું હતું કે, “આપણે ભારત જેવા વિવિધતાભર્યા દેશને એકસાથે રાખી શકીએ છીએ, જુઓ પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાઈ છે, તો પશ્ચિમના લોકો આરબ જેવા, ઉત્તરના લોકો ગોરા છે તો દક્ષિણના લોકો આફ્રિકા જેવા લાગે છે. તેનાથી કોઈ ફરક નથી પડતો,આપણે બધા ભાઈ બહેન છીએ.”