કલમ 370 પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે હું નિરાશ છું પરંતુ…

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તમામ રાજ્યોમાં ભારતનું સંવિધાન જ ચાલશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ઓમર અબ્દુલ્લાએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું હતું કે હું નિરાશ છું, પણ નિરાશાવાદી નથી. ભાજપને આટનું કરતા વર્ષો લાગી ગયા તે અમે પણ લડાઇ માટે તૈયાર છીએ. અગાઉ બારામુલ્લામાં એક જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની પાર્ટીની લડાઈ શાંતિપૂર્ણ રીતે ચાલુ રહેશે.
સુપ્રીમ કોર્ટે આજે સવારે એટલે કે 11 ડિસેમ્બર 2023ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર પોતાનો ચુકાદો આપતી વખતે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતના બંધારણ દ્વારા જ ચાલે છે તેમાં કોર્ટનો કોઇ રોલ નથી.
આ ઉપરાંત કોર્ટે ખાસ એ બાબત પર ભાર મૂક્યો હતો કે જ્યારે રાજા હરિ સિંહે ભારત સાથે વિલીનીકરણ કરાર પર હસ્તાક્ષર કર્યા, ત્યારે જમ્મુ અને કાશ્મીરનું સાર્વભૌમત્વ સમાપ્ત થઈ ગયું. તે ભારતના બંધારણ હેઠળ આવી ગયું. આથી તે બાબત સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતનું બંધારણ જમ્મુ અને કાશ્મીરના બંધારણ કરતાં ચડિયાતું છે. કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા હતી. આથી તે નાબૂદ થાય તે શક્ય છે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સમગ્ર સ્થિતિ સ્પષ્ટ કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનું કોઈ સાર્વભૌમત્વ નથી. રાષ્ટ્રપતિ શાસન પર વિચાર કરવાની જરૂર નથી. જમ્મુ અને કાશ્મીર બંધારણ સભાનું વિસર્જન રાષ્ટ્રપતિની સત્તાને અસર કરતું નથી. અને ચોથી અને છેલ્લી બાબત પોતાના અંતિમ આદેશમાં CJIએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને બંધારણીય નિર્ણય ગણાવ્યો અને કહ્યું હતું કે રાષ્ટ્રપતિને કલમ 370 હટાવવાનો અધિકાર છે. અને કોર્ટ તેમાં કોઇ ફેરફાર કરશે નહિ.