નેશનલ

દિલ્હીમાં જૂના વાહનો હવે જપ્ત નહીં થાય: પ્રદૂષણ નિયમોની પુનઃ સમીક્ષાની માંગ

નવી દિલ્હી: વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં જૂના વાહનનો પેટ્રોલ કે ડીઝલ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલ નહીં આપવાની સાથોસાથ વાહન જપ્ત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ હવે દિલ્હીવાસીઓને આ નિર્ણયથી રાહત મળશે, કારણ કે દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રીએ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને પત્ર લખીને આ નિર્ણયની પુન:સમીક્ષાની માંગ કરી છે.

નવા નિયમથી જનતાની અગવડ વધી

દિલ્હી સરકાર વતી CAQMને લખેલા પત્ર અંગે પર્યાવરણ પ્રધાન મનજિંદર સિંહ સિરસાએ મીડિયાને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં આ નિયમોનું અમલિકરણ સંભવ નથી. કારણ કે જનતાને અગવડની સાથોસાથ વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી છે. જ્યાં સુધી સંપૂર્ણ એનસીઆરમાં આ નિયમ સમાન રૂપે અમલમાં નહીં આવે ત્યાં સુધી આ નિયમને દિલ્હીમાં અસરકારક રીતે અમલમાં લાવવામાં આવશે નહીં.

આ પણ વાંચો: દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ પ્રતિબંધ, જાણો પહેલા દિવસે કેટલા જપ્ત થયા?

મનજિંદર સિંહ સિરસાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે ‘એન્ડ ઓફ લાઈફ વ્હીકલ'(ELV)ને લઈને નવી સીસ્ટમ વિકસાવી રહ્યા છીએ. દિલ્હીવાસીઓના વાહનો જપ્ત ન થાય અને સાથોસાથ દિલ્હીમાં પ્રદૂષણ પણ ન વધે એવો અમારો ઉદ્દેશ્ય છે. વાહનોને તેમના કુલ સમયગાળા (વપરાશ)ના આધારે નહીં, પરંતુ તેના પ્રદૂષણ ફેલાવવાની ક્ષમતાના આધારે ચલાવવા અથવા ઉપયોગમાં લેવાનો નિર્ણય કરાશે.”

એનસીઆરને બદલે દિલ્હીમાં કેમ નિયમ લાગુ કરાયો?

દિલ્હી સરકારના જ કેબિનેટ પ્રધાન પ્રવેશ વર્માએ કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટની ELVની નીતિને લઈને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે. પ્રવેશ વર્માએ જણાવ્યું કે, “દિલ્હીના લોકો પહેલાથી જ ટ્રાફિક અને પ્રદૂષણને લઈને દબાણમાં છે, એવામાં યોગ્ય તૈયારી કર્યા વગર આ નિયમ લાગુ કરવોએ તેમના પર બોજ નાખવા સમાન છે.”

દિલ્હીમાં જ કેમ અચાનક તેને લાગુ કરવામાં આવ્યો?

પ્રવેશ વર્માએ વધુમાં જણાવ્યું કે વાહનોને તેમની ઉંમરના આધારે નહીં, પરંતુ તેની પ્રદૂષણ ફેલાવવાની સ્થિતિના આધારે ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. ગુરૂગ્રામ અને નોઇડા જેવા દિલ્હી એનસીઆરના વિસ્તારમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી. તો પછી દિલ્હીમાં જ કેમ અચાનક તેને લાગુ કરવામાં આવ્યો? દિલ્હી સરકાર CAQM સાથે બેઠક કરીને આ નિયમ અંગે પુન:વિચાર કરશે.

આ પણ વાંચો: આ તારીખથી દિલ્હીમાં જૂના વાહનોને નહીં મળે પેટ્રોલ કે ડીઝલ, આ નિર્ણયની કોને થશે અસર?

કોર્ટે દિલ્હી સરકાર અને CAQM પાસે માંગ્યો જવાબ

દિલ્હી પેટ્રોલ ડીલર્સ એસોસિએશને પણ CAQMના નિયમને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં જણાવાયું હતું કે, પેટ્રોલ પંપના માલિકો પાસે ELVને ઇંધણ ન આપવાના નિર્દેશને લાગુ કરવાની કોઈ કાનૂની સત્તા નથી, છતાં જો કોઈ વાહન બાકી રહી જાય તેમને સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. પેટ્રોલ પંપ ડીલરોને કાયદા અમલીકરણ એજન્સીઓ નથી, જેથી તેમને આવી જવાબદારી સોંપવી એ નિયમોની વિરુદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી પેટ્રોલ ડીલર્સ એસોસિએશનની અરજીને ધ્યાને લઈને દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સરકાર અને CAQM પાસે સપ્ટેમ્બર 2025 સુધીમાં જવાબ માંગ્યો છે. આ સમયગાળા દરમિયાન જો કોઈ પેટ્રોલ પંપના માલિક સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તો તેનું કોર્ટ તરફ ધ્યાન દોરવાનું રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button