દિલ્હીમાં જૂના વાહનો પર પ્રતિબંધ હાલ પૂરતો મુલતવી: 1 નવેમ્બરથી હવે NCRમાં પણ લાગુ પડશે નિયમ!

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહન અને 10 વર્ષ જૂના ડીઝલ વાહન પર પ્રતિબંધ લગાવવાની યોજના દિલ્હી સરકારે હાલ પૂરતી ટાળી દીધી છે. હવે આ નિયમ આ વર્ષે નવેમ્બર મહિનાની પહેલી તારીખ પહેલા લાગુ થઈ શકે છે. તેની સાથે જ 15 વર્ષ જૂના વાહન પર પ્રતિબંધ લગાવવાની યોજનાને દિલ્હીની સાથોસાથ એનસીઆરના પાંચ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી શકે છે. છેલ્લા દિવસોમાં આ નિયમને કડકાઇથી લાગુ કર્યા બાદ દિલ્હી સરકારે પરત લેવાનો નિર્ણય લીધો છે.
આજે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટની (CAQM) બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હી સરકાર દ્વારા 1 જુલાઈથી EOL વાહનોને ‘ઇંધણ નહીં’ આપવાના તેના નિર્ણયની સમીક્ષા કરવા વિનંતી કર્યા બાદ આજે કમિશનની બેઠક મળી હતી. કમિશને નિર્ણય લીધો કે 1 નવેમ્બરથી દિલ્હી અને NCR ના જિલ્લાઓમાં પણ એક સાથે ઇંધણ પ્રતિબંધ લાગુ કરવો યોગ્ય રહેશે. એટલે કે, દિલ્હી ઉપરાંત, EOL વાહનો માટે આ જ યોજના 1 નવેમ્બરથી ગુરુગ્રામ, ફરીદાબાદ, નોઇડા, ગાઝિયાબાદ અને સોનીપત માં પણ લાગુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના ઉપરાજ્યપાલ વિકે સક્સેનાએ દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાને પત્ર લખીને જૂની ગાડીઓ પર પ્રતિબંધ લગાવવની યોજના પર વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે પત્રમાં જણાવ્યું કે દિલ્હી હજુ આ પ્રતિબંધ માટે તૈયાર નથી તેમજ આ નિર્ણયથી સામાન્ય માણસો ખાસ કરીને મધ્યમ વર્ગને નુકસાન પહોંચશે. એલજીએ એમ પણ કહ્યું કે આ નિર્ણય સામાજિક અને આર્થિક દ્રષ્ટિથી પણ યોગ્ય નથી. મધ્યમ વર્ગ પોતાની જિંદગીભરની કમાણીથી વાહન ખરીદે છે અને આવા વાહનોને અચાનક પ્રતિબંધ જાહેર કરવું એ વ્યાવહારિક નથી. આ આદેશને સ્થગિત કરી દેવો જોઈએ.
ઉપરાજ્યપાલે કેન્દ્ર સરકારના CAQM દ્વારા જાહેર કરાયેલા દિશાનિર્દેશોની વ્યવહારિકતા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દિલ્હી સરકારને સુપ્રીમ કોર્ટમાં 2018 ના આદેશની એકવાર ફરીથી સમીક્ષા કરવા માટે અરજી દાખલ કરવાનું કહ્યું હતું.