85 પ્લસ અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠાં કરી શકશે મતદાન
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી-2024 દરમિયાન 85 વર્ષથી મોટી ઉંમરના લોકો તેમ જ 40 ટકાથી વધુના દિવ્યાંગો માટે ઘરે બેઠાં મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ચૂંટણી પંચની ભલામણ બાદ પહેલી માર્ચથી સરકારે વૃદ્ધ મતદાતાઓ માટે પોસ્ટલ બેલટથી મતદાન કરનારા માટેના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે ફક્ત 85થી વધુ ઉંમરના મતદાતાઓ જ પોસ્ટલ બેલટનો ઉપયોગ કરી શકશે. પહેલાં આ સુવિધા 80-પ્લસ મતદારો માટે ઉપલબ્ધ હતી. કાયદા મંત્રાલય દ્વારા ગેઝેટ નોટિફિકેશનમાં કહ્યું હતું કે 85-પ્લસ મતદારો માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે.
પોસ્ટલ બેલટ દ્વારા દિવ્યાંગો અને 85 વર્ષથી મોટી ઉંમરના લોકોના મતો ઘરે-ઘરે ફરીને એકઠા કરવામાં આવશે. આ સુવિધા મેળવવા માટે માન્ય મતદારોએ ફોર્મ 12-ડી ભરીને બીએલઓ (બૂથ લેવલ ઓફિસર)ને આપવાનું રહેશે. આવી રીતે અરજી આપવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને પહેલા તબક્કાના મતદાન માટે 26 માર્ચ સુધી ચાલુ રહેશે. પહેલા તબક્કા માટેનું ઘરે બેઠાં મતદાન પાંચમી એપ્રિલથી ચાલુ થશે અને 14 એપ્રિલ પહેલાં બધા જ પાત્ર મતદારોના મતો એકઠા કરી લેવામાં આવશે. જો પહેલા તબક્કામાં કોઈ કારણસર કર્મચારીઓ મતો એકઠા કરવા માટે પહોંચી નહીં શકે તો બીજા તબક્કામાં 15 અને 16 એપ્રિલે ઘરે ઘરે જઈને મતો એકઠા કરવામાં આવશે.