દેશભરની ઓલા ઉબર થંભી ગઈ! ડ્રાઇવરોએ કંપની વિરૂદ્ધ ફૂંક્યું રણશિંગુ…

નવી દિલ્હી: દેશમાં ઓલા, ઉબર અને રેપિડો જેવી રાઈડ-હેલિંગ એપ સાથે જોડાયેલા લાખો ડ્રાઈવરોએ પોતાની પડતર માંગણીઓને લઈને રણશિંગુ ફૂંક્યું છે. શનિવારે ‘ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન’ અંતર્ગત ડ્રાઈવરોએ સતત છ કલાક સુધી એપમાંથી લોગ-આઉટ રહીને કામગીરી ઠપ્પ રાખવાનો નિર્ણય કર્યો છે. તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (TGPWU) દ્વારા આપવામાં આવેલા આ એલાનને કારણે દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ સહિતના મેટ્રો શહેરોમાં કેબ અને બાઇક ટેક્સી સેવાઓ પ્રભાવિત થવાની પૂરેપૂરી શક્યતા છે, જેનાથી સામાન્ય મુસાફરોની હાલાકીમાં વધારો થશે.
આ હડતાળ પાછળ બે મુખ્ય કારણો જવાબદાર છે. પ્રથમ, ડ્રાઈવરોની માંગ છે કે સરકાર ટેક્સીનું લઘુત્તમ ભાડું નક્કી કરે, કારણ કે હાલમાં કંપનીઓ પોતાની મરજી મુજબ ભાવ નક્કી કરે છે જેનાથી ડ્રાઈવરોની કમાણી સતત ઘટી રહી છે. બીજું, મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ 2025 હેઠળ જે ખાનગી નંબર પ્લેટ ધરાવતા વાહનોને વ્યવસાયિક ધોરણે ચલાવવાની મંજૂરી અપાઈ છે તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. યુનિયનનું માનવું છે કે આનાથી કાયદેસરના લાયસન્સ ધરાવતા ડ્રાઈવરોની આજીવિકા જોખમાઈ રહી છે.

હડતાળની જાહેરાત કરતા યુનિયને ગંભીર આક્ષેપ કર્યો છે કે પ્લેટફોર્મ કંપનીઓ માત્ર નફો કમાવવા માગે છે, જ્યારે ડ્રાઈવરો આર્થિક અસુરક્ષા અને શોષણનો સામનો કરી રહ્યા છે. કંપનીઓની મનસ્વી નીતિઓને કારણે લાખો ગિગ વર્કર્સની સ્થિતિ કફોડી બની છે. ડ્રાઈવરો ઈચ્છે છે કે ભાડું નક્કી કરવાનો અધિકાર સરકાર પાસે હોવો જોઈએ, જેથી ગ્રાહકોને પણ લૂંટાવું ન પડે અને ડ્રાઈવરોને પણ વાજબી મહેનતાણું મળી રહે. આ મુદ્દે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માગણી દોહરાવવામાં આવી છે.
તાજેતરના આર્થિક સર્વેક્ષણ 2025-26માં પણ ગિગ ઈકોનોમીમાં કામ કરતા વર્કર્સની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં ગિગ વર્કર્સની સંખ્યા વર્ષ 2021ના 77 લાખથી વધીને 2025માં 1.2 કરોડ સુધી પહોંચી ગઈ છે, પરંતુ તેમની આવક હજુ પણ અસ્થિર છે. આશ્ચર્યજનક બાબત એ છે કે લગભગ 40% ગિગ વર્કર્સની માસિક આવક 15 હજાર રૂપિયાથી પણ ઓછી છે. આ આર્થિક ભીંસ અને અચોક્કસ ભવિષ્યને કારણે જ હવે ડ્રાઈવરો રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા છે.



