ટોપ ન્યૂઝનેશનલ

આત્મદાહ કરનાર ઓડિશાની વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મૃત્યુ, રાજ્યભરમાં આક્રોશ

ભુવનેશ્વર: ગત શનિવારે ઓડિશાના બાલાસોરમાં આવેલી ફકીર મોહન ઓટોનોમસ કોલેજની એક બી એડની વિદ્યાર્થિનીએ કોલેજના પ્રિન્સિપાલની ઓફીસ સામે પોતાને આગ લગાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો (Odisha Student self-immolation)હતો, ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે ભુવનેશ્વર એઈમ્સમાં દાખલ કરવામાં આવી હતી, સારવાર દરમિયાન ગત રાત્રે વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું. જેને કરાણે રાજ્યભરમાં રોષની લાગણી છે, પીડિતાને ન્યાય અપાવવા માટે સરકાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

એમ્સના ડોક્ટરો કહ્યું કે તેમણે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પરંતુ તેનો જીવ બચાવી શક્યા નહીં. ડોક્ટરોના મતે, પીડિતાનું શરીર 90 ટકા દાઝી ગયું હતું, પહેલા તેને બાલાસોરની જિલ્લા મુખ્યાલય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ હાલત ગંભીર હોવાથી તેને એઈમ્સમાં ખસેડવામાં આવી હતી.

પ્રયાસો નિષ્ફળ રહ્યા:

AIIMS ભુવનેશ્વર દ્વારા આજે મંગળવારે સવારે જાહેર કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યું, “દર્દીને 12 જુલાઈના રોજ સાંજે 5:15 વાગ્યે તેના મિત્ર દ્વારા કેઝ્યુઅલ્ટીમાં લાવવામાં આવી હતી અને તેને IV ફ્લૂઇડ, IV એન્ટિબાયોટિક્સ, ઇન્ટ્યુબેશન અને મિકેનિકલ વેન્ટિલેશનથી આપવામાં આવ્યું. બર્ન્સ ICUમાં પર્યાપ્ત રીસસીટેશન અને રેનલ રિપ્લેસમેન્ટ થેરાપી સહિત તમામ શક્ય પ્રયત્ન છતાં, તેને બચાવી કરી શકાઈ નહીં અને 18 જુલાઈના રોજ રાત્રે 11:46 વાગ્યે ક્લિનિકલી મૃત જાહેર કરવામાં આવી હતી.”

મુખ્યપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું:

ઓડિશાના મુખ્યપ્રધાન મોહન ચરણ માઝીએ પીડિતાના મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યું, તેમને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાનું વચન પણ આપ્યું. તેમણે X પર કરેલી પોસ્ટમાં લખ્યું, “એફએમ ઓટોનોમસ કોલેજની વિદ્યાર્થિનીના મૃત્યુના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે. નિષ્ણાત તબીબી ટીમના અથાક પ્રયાસો છતાં, પીડિતાનો જીવ બચાવી શકાયો નહીં. હું તેના દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના પરિવારને આ ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ સહન કરવાની શક્તિ આપે. આ માટે, મેં અધિકારીઓને વ્યક્તિગત રીતે સૂચનાઓ આપી છે. સરકાર સંપૂર્ણપણે પરિવાર સાથે ઉભી છે..”

રાષ્ટ્રપતિ મુર્મુએ પણ મુલાકાત લીધી:

સોમવારે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ AIIMS ભુવનેશ્વરના બર્ન્સ વોર્ડમાં દાખલ પીડિતાની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ પીડિતાના માતા-પિતાને પણ મળ્યા હતા અને તેની સારવારમાં તમામ મદદની ખાતરી આપી હતી.

રાજ્યપાલે સરકારને તાકીદ કરી:

રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન હાજર રહેલા રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિએ રાજ્ય સરકારને આવી ઘટનાઓને રોકવા પગલા ભરવા તાકીદ કરી, તેમણે સરકારને સહાનુભૂતિ અને જવાબદારીની ભાવના સાથે કાર્ય કરવા જણાવ્યું હતું. X પરની પોસ્ટમાં તેમણે લખ્યું. “વિદ્યાર્થીઓની સલામતી, માનસિક સુખાકારી અને ગૌરવનું હંમેશા રક્ષણ કરવું જોઈએ.”

પીડિતાએ આ પગલું કેમ ભર્યું?

મળતી જાણકારી મુજબ પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે બી એડ વિભાગના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ સમીર કુમાર સાહુ છેલ્લા છ મહિનાથી તેની જાતીય સતામણી કરતા હતાં, તેને કોલેજ પ્રિન્સિપાલ, કોલેજ ઇન્ટરનલ કમ્પ્લેઇન કમિટી, ઉપરાંત સ્થાનિક પોલીસને પણ આ અંગે જાણ કરી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં, તેને સોશિયલ મીડિયામાં મુખ્ય પ્રધાનને ટેગ કરીને પોસ્ટ પણ મૂકી હતી, છતાં કાર્યવાહી ન થઈ.

કોલેજ ઇન્ટરનલ કમ્પ્લેઇન કમિટીએ સમીર કુમાર સાહુને જાતીય સતામણીના આરોપોમાં ક્લીનચીટ આપતા ભાંગી પડેલી વિદ્યાર્થિનીએ શનિવારે કોલેજના પ્રિન્સિપાલના ચેમ્બરની બહાર જ પોતાને આગ લગાવી દીધી હતી.

વિદ્યાર્થિની ABVPની સભ્ય હતી:

વિદ્યાર્થિનીએ પર આરોપ લગાવ્યો હતો કે પ્રોફેસર સાહુ તેનું જાતીય શોષણ કરે છે અને જો તે તેની માંગણીઓ નહીં માને તો તેને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી આપવામાં આવી હતી. વિદ્યાર્થિ RSSની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)ની સક્રિય સભ્ય હતી. તેણે મુખ્ય પ્રધાન માઝી, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, રાષ્ટ્રીય મહિલા આયોગ તેમજ જિલ્લા પોલીસ અધિકારીઓને પણ ફરિયાદ કરી હતી, પણ કોઈ કાર્યવાહી થઇ ન હતી.

પ્રોફેસરની ધરપકડ:

વિદ્યાર્થિનીએ આત્મદાહ કર્યા બાદ તરત જ પોલીસે સાહુની ધરપકડ કરી લીધી છે. સોમવારે, પોલીસે કોલેજના પ્રિન્સિપાલ દિલીપ ઘોષની ધરપકડ કરી હતી, તેમના પર આરોપી સાહુને બચાવવાના આરોપ છે.

રાષ્ટ્રીય મહિલા આયોગે પણ 13 જુલાઈના રોજ આ કેસનું સુઓ મોટો લીધો અને ત્રણ દિવસમાં કાર્યવાહીનો અહેવાલ માંગ્યો હતો.

આ ઘટનાના કારણે રાજ્યભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા છે. સોમવારે, વિદ્યાર્થીઓએ ફકીર મોહન કોલેજની બહાર વિરોધ પ્રદર્શનો કર્યા હતા, જ્યારે બાલાસોરમાં કોંગ્રેસના નેતાઓએ જિલ્લા કલેક્ટરની કચેરીનો ઘેરાવ કર્યો હતો.

આ પણ વાંચો….ઓડિશામાં જાતીય સતામણીથી કંટાળી વિદ્યાર્થિનીનો આત્મદાહ પ્રયાસ, રાજકારણ ગરમાયું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button