ભુવનેશ્વરથી રાઉરકેલા તરફ જતું એક વિમાન ક્રેશ, સાત લોકો હતા સવાર

ભુવનેશ્વરઃ ઓડિશાના રાઉરકેલાથી એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ભુવનેશ્વરથી રાઉરકેલા તરફ જતું એક વિમાન ક્રેશ થયું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વિમાન નવ સીટરનું હતું જેમાં કુલ સાત લોકો સવાર હતા. અકસ્માત સમયે પાયલોટ સાથે છ મુસાફરો સવાર હતા. સદ્ નસીબે જાનહાની ટળી ગઈ છે. જો કે, દરેકને ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
દરેકને નજીકની હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યાં
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પ્લેન ક્રેશ દરમિયાન વિમાનમાં સવાર દરેક લોકો ઘાયલ થયાં હતા. દરેકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઓડિશાના રાઉરકેલામાં ક્રેશ થયેલું વિમાન એક નાનું હોવાનું જાણવા મળ્યું છે. આ વિમાન 9 લોકો બેસી શકે એટલું જ મોટું હતું. આ વિમાન કેવી રીતે ક્રેશ થયું તેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો કે, હજી સુધી વિમાન ક્રેશના કારણે વિશે ખબર પડી શકી નથી.

ઇન્ડિયા વન એરની 9 સીટર ફ્લાઇટ ઓડિસામાં ક્રેશ થયું
વધારે વિગતે જોઈએ તો, આ વિમાન ઇન્ડિયા વન એર ફ્લાઇટ નવ સીટ વાળું હતું. જે ભુવનેશ્વરથી રાઉરકેલા તરફ 6 મુસાફરોને લઈને જઈ રહ્યું હતું. અકસ્માતનું કારણ હાલમાં અજ્ઞાત છે. એવું કહેવાય છે કે વિમાન રાઉરકેલાથી આશરે 10-15 કિલોમીટર દૂર ક્રેશ થયું હતું. ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગોની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી દીધી હતી.
સ્થાનિક સ્તરે સુરક્ષા અને સહાયની વ્યવસ્થા કરવામાં આવી
હાલમાં વહીવટીતંત્ર અને સંબંધિત એજન્સીઓ સતર્ક છે. સ્થાનિક સ્તરે સુરક્ષા અને સહાયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આટલી મોટી વિમાન દુર્ઘટનામાં દરેક લોકો સલામત છે તેને લોકો ચમત્કાર માની રહ્યાં છે. પરંતુ ક્રેશના કારણ અંગે એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. વિમાનમાં શું ખરાબી હતી? શા કારણે તે અચાનક ક્રેશ થયું? આવા અનેક સવાલો અત્યારે થઈ રહ્યાં છે અને સોશિયલ મીડિયામાં ચર્ચાઈ પણ રહ્યાં છે. આ પ્લેન ક્રેશના કેટલાક ફોટા અને વીડિયો પણ શેર થઈ રહ્યાં છે. જોકે, દરેક મુસાફર સુરક્ષિત છે તેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.



