
ભુવનેશ્વર/બાલાસોરઃ ઓડિશાના બાલાસોર જિલ્લામાં પૂરમાં બે લોકોના મોત થયા છે. તેમજ સુવર્ણરેખા સહિત અનેક નદીઓના જળસ્તર ઘટતા અસરગ્રસ્ત ગામોની સંખ્યા ઘટીને ૬૦ થઇ છે. આ જાણકારી અધિકારીઓએ બુધવારે આપી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર અને ઇમરજન્સી સેવાના કર્મચારીઓને ભોગરાઇ બ્લોકના કુસુડા ગામના ૯૦ વર્ષીય વ્યક્તિ દિબાકર ગિરીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ(ઓડીઆરએએફ)ના સભ્યોએ પૂરના પાણીમાંથી રાકેશ સિંહનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. સિંહ બિષ્ણુપુર ગામના રહેવાસી હતા અને મંગળવારે પૂરના પાણીમાં વહી ગયા હતા.
એક અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લાના ઉત્તર ભાગોમાં આવેલા લગભગ ૬૦ ગામોના લોકો ભારે વરસાદને કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાવાથી ભારે હાલાકી વેઠી રહ્યા છે. તેમણે કહ્યું કે પડોશી રાજ્ય ઝારખંડમાં બંધોમાંથી પાણી છોડવામાં આવતા આ ગામોના લોકોની દુર્દશા વધુ ખરાબ થઇ છે. મંગળવારે બાલાસોર જિલ્લામાં પૂરથી પ્રભાવિત ગામોની સંખ્યા ૧૦૦ હતી.
આ પણ વાંચો: ઓડિશામાં પૂરને કારણે બાલાસોરમાં ૫૦ ગામ પાણીમાં, એક વ્યક્તિ ગુમ
જળ સંસાધન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે બાલાસોર જિલ્લામાં બુધાબલંગ અને જલકા નદીઓના જળસ્તરમાં ઘટાડો થયો છે. ભોગરાઇ, બાલિયાપાલ, જલેશ્વર અને બસ્તા જેવા અનેક બ્લોક પૂરથી પ્રભાવિત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે પૂરને કારણે પાક અને માળખાગત સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે. બાલાસોરમાં અનેક રસ્તાઓ, પુલ અને નાળાઓ ધોવાઇ ગયા છે.
જિલ્લા વહીવટીતંત્રે બચાવ અને રાહત કામગીરીમાં ઓડિશા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, ઓડીઆરએએફ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(એનડીઆરએફ)ની ટીમો તૈનાત કરી છે.
આ દરમિયાન હવામાન વિભાગે દક્ષિણ ઝારખંડ અને તેની આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવને કારણે ૭ જુલાઇ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે.