ઓડિશાના રાઉરકેલામાં બનેલી દુઃખદ ઘટનામાં સરસ્વતી મૂર્તિના વિસર્જન દરમિયાન કથિત રીતે મોટેથી સંગીત વગાડવાને કારણે હાર્ટ એટેક આવતા 50 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ ફંક્શન દરમિયાન સંગીત વગાડનાર ડીજેની અટકાયત કરવામાં આવી છે.
મૃતકની ઓળખ પ્રેમનાથ બારભાયા તરીકે થઈ હતી. તે ચા વેચતો હતો. સરસ્વતી મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન મોટા અવાજે સંગીત વગાડતા ડીજેને કારણે તેને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રસંગ માટે સંગીત વગાડવા માટે એક ખાનગી પાર્ટીને હાયર કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે અચાનક તબિયત લથડતા અને પ્રેમનાથ ભાંગી પડ્યો હતો. તેને રાઉરકેલા સરકારી હોસ્પિટલ (RGH) માં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેના મૃત્યુ બાદ સ્થાનિક લોકોએ કાર્યવાહીની માંગ સાથે રઘુનાથપલી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં ગોળી વાગતાં એક યુવકનું કરૂણ મોત થયું હતું. લગ્નમાં ડીજે પર ગીત વગાડવામાં આવતા વિવાદમાં એક યુવકને ગોળી વાગી હતી. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં યુવકની ગંભીર હાલતને જોતા ડોક્ટરોએ તેને મેરઠ રિફર કર્યો હતો. પરંતુ રસ્તામાં જ તેનું કરૂણ મોત નિપજ્યું હતું. મુઝફ્ફરનગરમાં રહેતો 25 વર્ષીય નિખિલ તિવારી મિત્રના લગ્નમાં ગયો હતો, જ્યાં ડીજે પર ડાન્સ કરતા કેટલાક લોકોએ ડીજે સાથે ઝઘડો કર્યો હતો. જ્યારે નિખિલે વિવાદ અટકાવવા દરમિયાનગીરી કરી તો આરોપીએ તેને ગોળી મારી દીધી હતી અને બાદમાં સ્થળ પરથી ભાગી ગયો હતો. ગોળી વાગવાને કારણે નિખિલનું મૃત્યુ થયું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને