Lightning Strike : ઓડિશામાં વીજળી પડવાથી 9 લોકોના મોત, 12 ઘાયલ

ભુવનેશ્વર : ઓડિશામાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની(Lightning Strike) ઘટનાઓ સામે આવી છે. જેમાં રાજ્યના 6 જિલ્લામાં વીજળી પડવાથી 9 લોકોના મોત થયા છે. જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના મયુરભંજ, ભદ્રક, કેન્દ્રપારા, ગંજમ, કેઓઝર અને ઢેંકનાલ જિલ્લામાં બની હતી. રાજ્યના સીએમ મોહન ચરણ માઝીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત કરી છે.
મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા વળતરની જાહેરાત
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, મયુરભંજ, બાલાસોર અને ભદ્રક જિલ્લામાં બે-બે મૃત્યુ નોંધાયા છે. તે જ સમયે, કેઓંઝર, ઢેંકનાલ અને ગંજમ જિલ્લામાં એક-એક વ્યક્તિના મોતની માહિતી સામે આવી છે. રાજ્યના મુખ્યમંત્રીએ આ ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. મોહન ચરણે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઇજાગ્રસ્તોની જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.
ખેતરમાં કામ કરતા એક યુગલ પર વીજળી પડી
આ સાથે રાજ્ય સરકારે ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત કરી છે. મયુરભંજમાં, બાઈસિંગા પોલીસ સ્ટેશન હેઠળના સિંગરાપારા ગામમાં તેમના ખેતરમાં કામ કરતા એક યુગલ પર વીજળી પડી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ભદ્રકમાં, અગરપાડા પોલીસ સ્ટેશન હેઠળના સાહુપાડા ગામમાં વીજળી પડવાથી અમર સેઠીનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
ખેતરમાં વીજળી પડતા 12 લોકો ઘાયલ
બારગઢ જિલ્લામાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, બારપાલી બ્લોકના મુનુપાલી ગામ પાસે એક ખેતરમાં વીજળી પડી હતી. જેના કારણે 12 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 4 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. તમામ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.