ઓડિશામાં પૂરગ્રસ્ત ગામમાંથી ૨૪ લોકોને બચાવાયા…
ભુવનેશ્વરઃ ઓડિશા ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમે ભદ્રક જિલ્લાના એક ગામમાં ફસાયેલા ઓછામાં ઓછા ૨૪ લોકોને બચાવ્યા હતા. તેઓ ચક્રવાત દાનાને પગલે ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ફસાયા હતા. વાવાઝોડાને પગલે ઘણી નદીઓ ઉફાન પર આવી ગઇ હતી. આ જાણકારી અધિકારીઓએ રવિવારે આપી હતી.
આ પણ વાંચો : Cyclone Dana: દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ, ઓડિશામાં શાળા બંધ રાખવાનો આદેશ
અધિકારીઓના જણાવ્યા અનુસાર ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ(ઓડીઆરએએફ)ના જવાનો દ્વારા શનિવારે રાત્રે તિહિડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તાલા ગોપબિંધા ગામમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સત્તાવાર નિવેદનમાં જણાવ્યા મુજબ બાળક, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો સહિત ફસાયેલા લોકોને મોટર બોટની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા અને ચક્રવાત આશ્રયસ્થાનમાં લઇ જવામાં આવ્યા હતા. સલંદી નદી ઉફાણ પર આવતા ગામમાં પૂર આવ્યું હતું, જેના કારણે તેઓ ફસાયા હતા.
ડીઆઇજી(પૂર્વ રેન્જ) સત્યજીત નાઇકે બચાવ કામગીરીની દેખરેખ કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કુદરતી આફતો સામે રાજ્યની તૈયારીએ એકવાર ફરી લોકોના જીવ બચાવ્યા છે. નોંધનીય છે કે ચક્રવાત દાના શુક્રવારે સવારે પૂર્વ કિનારે ત્રાટક્યું હતું, જેના કારણે મુશળધાર વરસાદ અને ભારે પવનો ફૂંકાયા હતા.