ઓડિશામાં પણ 22 જાન્યુઆરી જેવો જ મહોત્સવ આજે યોજાયો….
પુરી: વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર અને ઉજ્જૈનમાં મહાકાલ મંદિર કોરિડોરના જેમ જ પુરીમાં ભગવાન જગન્નાથ મંદિર કોરિડોરને શણગારવામાં આવ્યું હતું અને તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન નવીન પટનાયકે આજે આ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતું. અને તેના માટે ઓડિશા સરકારે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન જેવી જ તૈયારીઓ કરી હતી. તેમજ મંદિરને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે સંકુલની આસપાસ 800 કરોડના ખર્ચે પરિક્રમા કોરિડોર બનાવવામાં આવ્યો છે. આજે ઉદ્ઘાટન હોવાના કારણે રાજ્ય સરકારે જાહેર રજા જાહેર કરી હતી.
મુખ્ય પ્રધાને આજના દિવસે લોકોને દીવા પ્રગટાવવા, શંખનાદ કરવાની અને કરતાલ પર કીર્તન કરવાની અપીલ કરી હતી. ઉદ્ઘાટન સમારોહ માટે ઓડિશા અને દેશના વિવિધ ભાગોમાંથી ઘણી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા,
ચારધામમાંનું એક ઓડિશામાં પુરીનું જગન્નાથ મંદિર છે. અહીં ભગવાન જગન્નાથ એટલે કે શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન છે. ત્યારે ઓડિશામાં હેરિટેજ કોરિડોરની પરિક્રમા માટે એક મહિના સુધી અહીં દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો આવે તેવી સંભાવના છે ત્યારે એ તમામને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. સીએમ નવીન પટનાયકે જિલ્લા કલેક્ટરોને 22 જાન્યુઆરીથી પુરી સુધી દરેક પંચાયત અને નાગરિક સંસ્થાના ભક્તોની અવરજવર માટે વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ માટે ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે.
શરીઆતમાં આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સૌથી મોટો પડકાર હતો. પરંતુ સીએમ પટનાયકે આજુબાજુમાં આવેલા તમામ મઠોમાં અપીલ કરી અને અંદાજે 26 એકર જેટલી જમીન મળી હતી. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) ના મુખ્ય પ્રશાસક રંજન કુમાર દાસે જણાવ્યું હતું કે દેશભરના 90 તીર્થસ્થળો અને ધાર્મિક સંસ્થાઓના ઘણા સાધુઓ પણ પુરી પહોંચ્યા હતા
હાલમાં જગન્નાથ પુરી રેલવે સ્ટેશનનો પણ 162 કરોડના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. આ રેલવે સ્ટેશન જુલાઈ 2025માં તૈયાર થઈ જશે. જેમાં ખાસ બાબત એ છે કે સ્ટેશનના નિર્માણમાં કલિંગ મંદિરના સ્થાપત્યનો ઉપયોગ કરવામાં આવશે.