
કટકઃ ઓડિશાના કટકમાં દુર્ગા પૂજા વખતે હિંસક જૂથઅથડામણને કારણે સમગ્ર જિલ્લામાં તણાવનું નિર્માણ થયું છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોમાં કટકના ડીસીપીનો સમાવેશ થાય છે. હિંસાની શરુઆત ડીજે સાઉન્ડને લઈ થઈ હતી, ત્યાર પછી પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
કટકમાં મૂર્તિ-વિસર્જન વખતે બે જૂથ વચ્ચે થયેલી અથડામણને કારણે મામલો વધુ તંગ બન્યો, જેમાં ડીસીપી સહિત અનેક લોકો ઘાયલ થયા છે. હિંસા મુદ્દે છ લોકોની ધરપકડ કરી છે, જ્યારે સરકારે સોશિયલ મીડિયા પર 24 કલાકનો પ્રતિબંધ મૂક્યો છે.
આ પણ વાંચો : બરેલીમાં આગામી 48 કલાક માટે ઇન્ટરનેટ સેવા ઠપ, જાણો શું છે કારણ..
વિશ્વ હિંદુ પરિષદે છઠ્ઠી ઓક્ટોબરના 12 કલાકનો બંધ જાહેર કર્યો છે, જ્યારે હિંસા મુદ્દે પોલીસે કહ્યું હતું કે શનિવારના રાતના 1.30 વાગ્યાના સુમારે બે જૂથ વચ્ચે હિંસા થઈ હતી. મૂર્તિ વિસર્જન વખતે જ્યારે શોભાયાત્રા નદીવિસ્તાર તરફ જઈ રહી હતી ત્યારે સ્થાનિક લોકોએ ડીજેના અવાજને લઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે ડીપીસીએ કહ્યું કે આ વિવાદ પછી પથ્થરમારામાં પરિણમ્યો હતો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. પરિસ્થિતિ પર નિયંત્રણ કરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો, જેમાં અનેક વાહન અને રસ્તાની નજીકના સ્ટોલને પણ નુકસાન પહોંચ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અમુક જગ્યાને આગ પણ લગાવવામાં આવી હતી, જ્યારે પોલીસનો બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે. હિંસાને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ કર્યું છે. મોબાઈલ ડેટા, બ્રોડબેન્ડ સેવા ઠપ કરવામાં આવી છે, જ્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે.