ઓબીસી નેતા, જાટ લેન્ડમાં મજબૂત પકડ, જાણો કોણ છે નાયબ સિંહ સૈની
હરિયાણામાં બીજેપી-જેજેપી ગઠબંધન તૂટી ગયું છે. મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે રાજીનામુ આપી દીધું છે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના નેતા અને કુરુક્ષેત્રના સાંસદ નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ બનશે.
બીજેપી વિધાયક દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ હશે. નાયબ સિંહ સૈની આજે સાંજે 5 વાગ્યે શપથ લેશે.
નાયબ સૈની હાલમાં હરિયાણા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે. તેઓ અંબાલા લોકસભા મતદારક્ષેત્રના નારાયણગઢ ગામના રહેવાસી છે. તેઓ પછાત વર્ગમાંથી આવે છે. 2019માં તેઓ કુરુક્ષેત્ર બેઠક પરથી ચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યા હતા. તેઓ 24 હજારથી વધુ મતોથી જીત્યા હતા. તેમની રાજકીય સફરની વાત કરીએ તો
તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી, જિલ્લા મહામંત્રી અને જિલ્લા પ્રમુખ તરીકે કામ કરી ચૂક્યા છે.
તેમની રાજકીય સફર 2002થી શરૂ થઇ હતી, જ્યારે તેમને હરિયામામાં ભાજપના યુવા મોરચાની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યાર બાદ જિલ્લા અધ્યક્ષ તરીકે કામ કરીને તેઓ 2009માં ભાજપ કિસાન મોરચા હરિયાણાના પ્રદેશ મહાસચિવ બન્યા.
2014માં તેઓ નારાયણગઢથી વિધાનસભ્ય બન્યા. 2016માં તેઓ હરિયાણા સરકારમાં રાજ્યમંત્રી બન્યા અને ખાણ મંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. 2019માં તેઓ કુરુક્ષેત્રથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તે સમયે તેમને 6,88,629 મત મળ્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી કૉંગ્રેસી ઉમેદવાર નિર્મલ સિંહને 3,04038 મળ્યા હતા.
ઑક્ટોબર 2023માં જ તેમને હરિયાણાના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને પાંચ મહિનામાં જ તેઓ સીએમની રેસમાં બાજી મારી ગયા છે. રાજ્યમાં રાજકીય સમીકરણો ધ્યાનમાં રાખીને ભાજપે સૈનીને મોટી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો છે. એક નોંધનીય બાબત એ પણ છે કે તેઓ ખટ્ટરની ઘણા નજીક હોવાનુ માનવામાં આવે છે.
હરિયાણામાં અત્યાર સુધી ભાજપે જાટ પ્રદેશ પ્રમુખ અને બિન-જાટ મુખ્ય પ્રધાનની ફોર્મ્યુલા અપનાવી છે., પરંતુ ઑક્ટોબર 2023માં ભાજપે તેની રણનીતિ બદલીને જાટના બદલે સમગ્ર ઓબીસી સમુદાયને સંતોષવા માટે નાયબ સિંહ સૈનીને આગળ કરવાની રણનીતિ બનાવી છે.
નાયબ સિંહ સૈની (53) મુખ્ય પ્રવાહની રાજનીતિમાં આવ્યા અને 9 વર્ષમાં તો સીએમની ખુરશી સુધી પહોંચી ગયા છે. પાર્ટી હાઇ કમાન્ડનું માનવું છે કે જાટલેન્ડ હરિયાણામાં સૈની સારી પકડ ધરાવે છે. સૈનીને મુખ્ય પ્રધાન બનાવવાથી પક્ષને ફાયદો થશે. ભાજપને જાટોના મતો કરતા ઓબીસી મતબેંક વધુ મજબૂત લાગે છે.