હિમંતની ‘છલાંગ’: ડ્યૂટી પર પહોંચવા નર્સે જીવની બાજી લગાવી, જુઓ વાયરલ વીડિયો

મંડીઃ ઉત્તર ભારત સહિત દેશભરમાં ચોમાસું જોરદાર જામ્યુ છે. નદીનાળામાં વરસાદી પાણી પૂરનું જોખમ ઊભું કર્યું છે, તેમાંય વળી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજ્યના નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે, ત્યારે સ્થાનિકોને જીવનનિર્વાહ કરવા માટે મુશ્કેલ પળોમાં પણ ઘરેથી બહાર નીકળવું પડે છે.
આવા જ મુશ્કેલ સમયમાં જિલ્લાની ચૌહારઘાટીમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક નર્સે જીવના જોખમે છલાંગ લગાવી હતી, જેના અંગે લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી.
આપણ વાંચો: મુંબઈમાં 12 દિવસ પહેલા આવ્યું ચોમાસુ! ભારે વરસાદે તબાહી મચાવી, આ વિસ્તારોમાં હાઈ એલર્ટ…
આ વીડિયોમાં સ્ટાફ નર્સ કમલા ગાંડીતૂર નાળાને પથ્થરો પર ઉછળીને પાર કરતી દેખાય છે. તેમની આ હિંમત જોઈને લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે, કારણ કે એક નાનકડી ભૂલ પણ તેમના જીવનને જોખમમાં મૂકી શકી હોત.
વાયરલ વીડિયોમાં એક નાળુ ખતરનાક રીતે પાણી વહેતું હતું, જેનો પ્રવાહ એટલો તેજ હતો કે તે રસ્તામાં આવતી કોઈપણ વસ્તુને પોતાના પ્રવાહમાં તાણી શકે.
આવી ખતરનાક સ્થિતિમાં નર્સ કમલા ડૂબેલા પથ્થરો પર સંતુલન જાળવીને આગળ વધે છે. તેઓ ઊંડા નાળાને નાની-નાની છલાંગો લગાવીને પાર કરે છે, જે જોઈને દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય છે. તેમની આ હિંમતભરી કામગીરી દરેક માટે પ્રેરણાદાયી છે.
આપણ વાંચો: ઓમાનમાં અચાનક પૂર અને ભારે વરસાદે મચાવી તબાહી; શાળાના બાળકો સહિત 17ના મોત
મીડિયા સાથે વાત કરતા નર્સ કમલાએ જણાવ્યું કે તેમને CHC તરફથી એક તાત્કાલિક ફોન આવ્યો હતો, જેમાં લાઈફ સેવિયર દવાઓ લઈને તાત્કાલિક પહોંચવાનું કહેવાયું હતું. ભારે વરસાદને કારણે વિસ્તારના પગપાળા પુલ ધોવાઈ ગયા હોવાથી એ દિવસે તેને ડ્યૂટી સ્ટેશન સુધી પહોંચવું સંઘર્ષમય બન્યું હતું. તેને લગભગ ચાર કિલોમીટર ચાલીને ડ્યૂટી પર પહોંચવાનું હતું.
આ વીડિયો X પ્લેટફોર્મ પર શેર થયો અને ટૂંક સમયમાં જ વાયરલ થઈ ગયો. લોકો કમલાની હિંમત અને સમર્પણની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. કેટલાકે કહ્યું કે આવા લોકો દેશની સાચી સંપત્તિ છે અને તેમની આ મહેનત માટે તેમને યોગ્ય પુરસ્કાર મળવો જોઈએ. અન્ય લોકોએ લખ્યું કે આવા સમર્પિત વ્યક્તિઓની દેશને જરૂર છે, જેઓ પોતાના જીવનનું જોખમ લઈને પણ ફરજ નિભાવે છે.