
ગુરગાંવ: હરિયાણાના નૂહમાં જિલ્લામાં ચોરને પકડવા ગયેલી પોલીસ પર સ્થાનિક લોકોએ અચાનક હુમલો કરી દીધો હતો, જેનાથી શાંતિનું વાતાવરણ હિંસામાં ફેરવાઈ ગયું હતું. આ ઘટનામાં પથ્થરમારો થયો અને ગેરકાયદે બંદૂકોથી ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. ઘટના બાદ ગામમાં માહોલ સામાન્ય બનાવવા માટે મોટા પ્રમાણે પોલીસ બળને તૈનાત કરવાની ફરજ પડી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નૂહના બિછોરા ગામમાં પોલીસ એક ચોરની ધરપકડ કરવા પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિક લોકો જે આરોપીના સમર્થકો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, ઘરોમાંથી બહાર નીકળી આવ્યા અને પોલીસ પર હુમલો શરૂ કર્યો.
તેમણે પથ્થરમારો કર્યો અને ગેરકાનૂની રાઈફલો વડે ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા, જેના કારણે પોલીસે પણ જવાબી કાર્યવાહી કરવી પડી હતી.
આ હિંસક ઘટના દરમિયાન પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે 7-8 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઉપરાંત, પોલીસે તાત્કાલિકના ધોરણે એક્શન લઈને 13 આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટના સંદર્ભે 90 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાંથી 30 નામજોગ ફરિયાદ નોંધી છે. પોલીસે હાલમાં વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ કાર્યવાહીમાં લોકો પહેરાલા નકામ મુશ્કેલી ઊભી કરી રહ્યા છે. કેમ કે, હુમલો કરનારામાંથી ઘણા લોકોએ નકાબ પહેર્યા હતા. જેણે ગેરકાયદે હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
આ હુમલાને કારણે ગામમાં તણાવ ફેલાયો હતો, પરંતુ પોલીસની સમયસર કાર્યવાહીથી સ્થિતિ હવે નિયંત્રણમાં છે. આ ઘટના ગામમાં સુરક્ષા અને કાયદાના અમલની જરૂરિયાતને રેખાંકિત કરે છે. 2023માં પણ હરિયાણાના નૂહમાં હિંસક તોફાનો થયા હતા, જ્યાં છ લોકોનાં મોત પણ થયા હતા.
આ પણ વાંચો…આઈ લવ મુહમ્મદ વિવાદ, યુપીમાં ઠેર ઠેર હિંસા, મુસ્લિમોનો પોલીસને પડકાર