
અયોધ્યા: અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો હવાઈ નજારો જોવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં રામ મંદિરના હવાઈ દર્શન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકાર હેલિકોપ્ટર દ્વારા દર્શનની યોજના પણ શરૂ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં તમે થોડા પૈસા ચૂકવીને હેલિકોપ્ટરમાં રામ મંદિરના દર્શન કરી શકશો. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ટૂંક સમયમાં આ યોજના શરૂ કરી શકે છે.
કેટલું ચૂકવવું પડશે ભાડું?
હેલિકોપ્ટર દ્વારા અયોધ્યાના રામ મંદિરના ઍરિયલ વ્યૂના દર્શન માટે અત્યાર સુધી નક્કી કરાયેલું ભાડું પ્રતિ વ્યક્તિ 4130 રૂપિયા છે. એટલે કે જો કોઈ ભક્ત આ મંદિરના ઍરિયલ વ્યૂના દર્શન કરવા ઈચ્છે છે તો તેણે ઉત્તર પ્રદેશ સરકારને 4130 રૂપિયા ચૂકવવા પડશે. જો કે આ રકમ ચૂકવ્યા બાદ તમને હેલિકોપ્ટર દ્વારા કેટલા સમય સુધી ફેરવવામાં આવશે તેની કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
સપ્ટેમ્બર 2025માં થશે કામગીરી પૂર્ણ
અયોધ્યામાં બની રહેલું રામ મંદિર જૂન 2025 સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર નહીં થાય, તેના બદલે તેમાં વધારાના ત્રણ મહિનાનો સમય લાગશે અને તે સપ્ટેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે. 22 જાન્યુઆરીએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં શ્રી રામ લલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિરની બાઉન્ડ્રી વોલમાં 8.5 લાખ ઘનફૂટ લાલ બંસી પહારપુર પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે અને આ પથ્થરો અયોધ્યા પહોંચી ગયા છે, પરંતુ ત્યાં 200 કામદારોની અછત છે, જેના કારણે બાંધકામ ઠપ થઈ ગયું છે. વિલંબ થઈ રહ્યો છે.
આ પણ વાંચો…“કેજરીવાલ કરતાં આતિષી હજાર ગણા સારા” LGના ટોણાં પર કેજરીવાલની પ્રતિક્રિયા
કુંભ દર્શનની પણ યોજના
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ યુપી સરકાર રામ મંદિર દર્શનની સાથોસાથ પ્રયાગરાજમાં આયોજિત થનારા મહાકુંભનું આયોજન કરવાની યોજના બનાવી રહી છે. જો કે, હજુ સુધી સરકાર દ્વારા આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે.